નવી દિલ્હી, 21 ઓક્ટોબર : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સવારે અહીં રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે એક્સ હેન્ડલમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ પર તેમની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ તેમની સેના ના મહાન આત્માઓને વંદન કરે છે, જેમણે તેમના સર્વોચ્ચ બલિદાનના પ્રકાશથી આશાનું કિરણ પ્રગટાવ્યું. તેમની બહાદુરીની ગાથાઓને આપણી સામૂહિક યાદોમાંથી કોઈ ભૂંસી શકતું નથી. રાષ્ટ્ર તેમને અનંતકાળ સુધી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ આપવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું- માતૃભૂમિના બહાદુરોને સલામ.
નોંધનીય છે કે, 21 ઓક્ટોબર, 1959ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ વિસ્તારમાં સશસ્ત્ર ચીની ટુકડી દ્વારા કરવામાં આવેલા હુમલામાં 10 પોલીસ જવાનોએ પોતાનો જીવ આપ્યો હતો. આ શહીદો અને ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા અન્ય તમામ પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે 21મી ઓક્ટોબરે પોલીસ સ્મારક દિવસ ઉજવવામાં આવે છે. આ બલિદાનને યાદ કરવા માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, 2018 ના પોલીસ સ્મારક દિવસ પર, રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
