નવી દિલ્હી, 18 ઓક્ટોબર : ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મોદી સરકારના ઓપરેશન અજય અંતર્ગત, મંગળવારે રાત્રે 11 વાગ્યે પાંચમી ફ્લાઇટ પાલમ એરપોર્ટ પર પહોંચી હતી. સ્પાઇસજેટના આ વિમાન દ્વારા 286 લોકોને લાવવામાં આવ્યા હતા. આ લોકોએ આ પ્રસંગે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જેમાં 268 ભારતીય અને 18 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને એરપોર્ટ પર દરેકનું સ્વાગત કર્યું.
માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી એ એક્સ પર આ ખુશખબર શેર કરી છે. જણાવવામાં આવ્યું છે કે, આ સ્પાઈસજેટ એરક્રાફ્ટ (એ-340)માં રવિવારે તેલ અવીવમાં લેન્ડિંગ કર્યા બાદ ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. આ કારણોસર પ્લેનને જોર્ડન લઈ જવામાં આવ્યું હતું. તે અગાઉ સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની પરત ફરવાનું હતું.
એલ મુરુગને કહ્યું છે કે, સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તે તમામ ભારતીય નાગરિકોને તેમના વતન પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું છે કે, ઓપરેશન અજય હેઠળ 1100 થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે.
