દાહોદ/અમદાવાદ,16 નવેમ્બર (હિ.સ.) દિવાળીના દિવસે દારૂની ખેપ દરમિયાન એક યુવકનું મોત થતા દાહોદ પોલીસ મથકે હોબાળો મચાવનાર 400 લોકો સામે રાયોટીંગનો ગુનો, 30ની ધરપકડ કરી હતી.
પોલીસ મથકે હોબાળો મચાવનાર 400 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધી હાલ કુલ 30 લોકોની ધરપકડ, દિવાળીના દિવસે દારૂની ખેપ દરમિયાન એક યુવકનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે, પોલીસે લાકડી મારવાથી યુવક મોતને ભેટ્યો છે
દાહોદ રૂરલ પોલીસ પર હુમલો કરનાર 400ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોધી પોલીસે 30 લોકોની ધરપકડ કરી છે. દિવાળીના દિવસે દારૂની ખેપ દરમિયાન એક યુવકનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે, પોલીસે ચાલુ ગાડીએ લાકડી મારવાથી યુવક મોતને ભેટ્યો છે. મૃતકના પરિવારજનોએ લાશ પોલીસ સ્ટેશન બહાર મુકી વિરોધ કર્યો હતો. જેને લઇ પોલીસે પણ હળવો લાઠીચાર્જ કરી મામલો થાળે પાડ્યો હતો. 2 કલાકના હોબાળા બાદ યુવકના મૃતદેહને સમાજના લોકો ઝાયડસ ખાતે લઇ ગયા હતા. ચાર દિવસ થવા છતાં પરિવારે લાશને સ્વીકારી નથી. પોલીસ પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચોસાલા ગામે 13મી નવેમ્બરના દિવસે રૂરલ પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી દાહોદ તરફ બે બાઈકો ઉપર ચાર શખ્સો વિદેશી દારૂ લઈને આવે છે તેવા સમયે પોલીસે વોચ દરમિયાન બાતમીમાં દર્શાવેલી બાઈકો આવતા તેમને રોકવાનો ઇસારો કરતા તેમણે ન રોકતા અને અકસ્માતની ઘટના બની હતી. જેમાં આ ઘટનામાં બે શખ્સોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને બન્નેને દાહોદના ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા.
જ્યાં નીતિન અમરસિંહ સાંસીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડી પરિવારજનો હોસ્પિટલથી લઈને રૂરલ પોલીસ મથકે લઈને પહોંચ્યા હતા. સાથે જ પોલીસ પર આરોપ મૂકી જણાવાયું હતું કે, પોલીસના કર્મચારીઓએ દારૂ લઈને આવતા બાઈક ચાલકોને રોકી તેમને લાકડીઓના ફટકા મારી મોત નીપજાવી દીધું હોવાને લઈને રૂરલ પોલીસ મથકે સાંસી સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોલીસ મથકમાં હોબાળો મચાવી હંગામો કર્યો હતો.
જયારે પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ મથકે વધારે માથાકૂટ ઉભી થતા LCB, SOG સહિતની ટીમો ખડકી દેવામાં આવી હતી. જ્યાં મામલો બિચકતાં પરીવારજનોએ રોષે ભરાઈને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં પોલીસ પર હુમલો કરી માર મરાયો હતો. જ્યારે પોલીસે પણ ભેગા થયેલા સાંસી સમાજના લોકોને દંડા વાળી કરી તેમને ત્યાંથી ભગાવ્યા હતા. પોલીસ કર્મી ઉપર આરોપ લગાવ્યો હતો સાંસી સમાજના યુવકને લાકડી મારી નાખવાનો તેને ગદડાપાટુનો માર મરાયો હતો. ત્યારે દાહોદ ડિવિઝનના ASP સિધ્ધાર્થ કોરૂકોંડા આવી જતાં પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડી ડેડબોડીને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવાઈ હતી. જ્યાં પેનલ ડોક્ટરો દ્રારા પીએમ કરાયા બાદ સાંસી સમાજના લોકો ડેડબોડીને લઈ ગયા ન હતા અને આરોપ મુક્યો હતો. પોલીસકર્મીઓ ઉપર હત્યાનો ગુનો નોંધો જેવી માંગ પર અડગ રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર જે પોલીસકર્મી ઉપર દારૂ પકડવા ગયા અને લાકડીઓ મારી મોત નીપજાવી નાખ્યાનો આરોપ મુકવામાં આવ્યો છે તે પોલીસકર્મી દારૂ પકડવા ગયો જ નથી અને પોલીસે કોઈને માર્યા નથી. દારૂ ભરીને આવતા સમયે પોલીસને જોઇ પૂરઝડપે ભાગવા જતા અકસ્માત સર્જાયો હતો, તેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ ત્યાંથી ભાગી નથી, પોલીસ ત્યાંની ત્યાં જ હતી. જોકે, પરિવારજનો આવી જતા તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા તેવું પોલીસનું કહેવું છે.
હિન્દુસ્થાન સમાચાર/
