
કોલકતા, નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.). બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સોમવાર સાંજ સુધીમાં ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ સોમવારે જારી બુલેટિનમાં આ માહિતી આપી હતી. આ ચક્રવાતી તોફાનને ‘હમુન’ કહેવામાં આવશે, જે ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે.
બુલેટિન અનુસાર, રવિવારે રાત્રે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યા પછી આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ઓડિશાના પારાદીપથી લગભગ 400 કિમી અને પશ્ચિમ બંગાળના દિઘાથી લગભગ 550 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ખેવુપારા અને ચટગાંવ વચ્ચેના બાંગ્લાદેશના દરિયાકાંઠે 25 ઓક્ટોબરની સાંજની આસપાસ ડીપ ડિપ્રેશન તરીકે પસાર થવાની ધારણા છે.
દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે દુર્ગા પૂજા નો માહોલ હોવા છતાં દરિયાકાંઠાના જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ભારે વરસાદના કિસ્સામાં, વહીવટીતંત્રને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે પણ કહેવામાં આવ્યું છે. વિભાગે માછીમારોને ઊંડા દરિયામાં ન જવાની સલાહ આપી છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, દુર્ગા પૂજાના આયોજકોએ તહેવાર દરમિયાન સંભવિત વરસાદ અને ભારે પવનનો સામનો કરવા તૈયારીઓ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પ્રકાશ/સંજીવ / માધવી
