નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે,” સરકારનો પ્રયાસ છે કે કોઈ પણ દર્દીને કેન્સરની સારવારમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ વિચાર સાથે, છેલ્લા 9 વર્ષમાં દેશમાં લગભગ 30 નવી કેન્સર હોસ્પિટલો વિકસાવવામાં આવી છે અને હાલમાં 10 નવી કેન્સર હોસ્પિટલો પર કામ ચાલી રહ્યું છે.”
વડાપ્રધાન ગુજરાતમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને, વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કરી રહ્યા હતા. ખોડલ ધામની પવિત્ર ભૂમિ અને ખોડલ માના ભક્તો સાથે જોડાયેલા રહેવાને વડાપ્રધાને એક મહાન સૌભાગ્ય ગણાવતા તેમણે કહ્યું કે,” શ્રી ખોડલધામ ટ્રસ્ટે અમરેલીમાં કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો, શિલાન્યાસ કરીને લોક કલ્યાણ અને સેવાના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.” તેમણે કહ્યું કે,” 14 વર્ષ પહેલા લેઉવા પાટીદાર સમાજે સેવા, સંસ્કાર અને સમર્પણના સંકલ્પ સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યારથી ટ્રસ્ટે તેની સેવા દ્વારા, લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.”
વડાપ્રધાને કહ્યું કે,” કેન્સરની સારવારમાં કોઈ પણ દર્દીને મુશ્કેલીનો સામનો કરવો ન પડે, તેને ધ્યાનમાં રાખીને છેલ્લા 9 વર્ષમાં દેશમાં લગભગ 30 નવી કેન્સર હોસ્પિટલો વિકસાવવામાં આવી છે અને 10 નવી કેન્સર હોસ્પિટલો પર કામ ચાલી રહ્યું છે.” પ્રધાનમંત્રીએ તેની સારવાર માટે કેન્સરની સમયસર તપાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે,” ગામડાના લોકોમાં કેન્સરની જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આવી પરિસ્થિતિઓને ટાળવા માટે, કેન્દ્ર સરકારે ગ્રામીણ સ્તરે 1.5 લાખથી વધુ ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ બનાવ્યા છે, જ્યાં કેન્સર સહિત અનેક ગંભીર રોગોની વહેલી તપાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,” ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને તે ભારતનું મુખ્ય મેડિકલ હબ બની ગયું છે.” તેમણે કહ્યું કે,” 2002 સુધી ગુજરાતમાં માત્ર 11 મેડિકલ કોલેજ હતી જ્યારે આજે આ સંખ્યા વધીને 40 થઈ ગઈ છે. વીસ વર્ષમાં અહીં એમબીબીએસની બેઠકોની સંખ્યા લગભગ 5 ગણી વધી છે અને પીજીની બેઠકોની સંખ્યા પણ લગભગ 3 ગણી વધી છે. વર્ષ 2002 સુધી ગુજરાતમાં માત્ર 13 ફાર્મસી કોલેજો હતી જ્યારે આજે તેમની સંખ્યા વધીને 100ની આસપાસ થઈ ગઈ છે અને છેલ્લા 20 વર્ષમાં ડિપ્લોમા ફાર્મસી કોલેજોની સંખ્યા પણ 6થી વધીને 30ની આસપાસ થઈ ગઈ છે.”
વડાપ્રધાને કહ્યું કે,” દેશના વિકાસ માટે લોકો સ્વસ્થ અને મજબૂત હોય તે પણ જરૂરી છે. આજે ખોડલ માતાના આશીર્વાદથી અમારી સરકાર આ વિચારને અનુસરી રહી છે. અમે આયુષ્માન ભારત યોજના શરૂ કરી જેથી ગરીબોને ગંભીર બીમારીના કિસ્સામાં સારવારની ચિંતા ન કરવી પડે. આજે, આ યોજનાની મદદથી, 6 કરોડથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર થઈ છે. આમાં કેન્સરના દર્દીઓ પણ મોટી સંખ્યામાં છે. જો આયુષ્માન ભારત યોજના ન હોત તો આ ગરીબોએ એક લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હોત. અમારી સરકારે 10 હજાર જન ઔષધિ કેન્દ્રો પણ ખોલ્યા છે, જ્યાં લોકોને 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ મળી રહી છે. હવે સરકાર પીએમ જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 25 હજાર કરવા જઈ રહી છે. સસ્તી દવાઓના કારણે દર્દીઓના 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ બચી ગયો છે. સરકારે કેન્સરની દવાઓના ભાવ પણ અંકુશમાં રાખ્યા છે જેના કારણે ઘણા કેન્સરના દર્દીઓને ફાયદો થયો છે.”
ટ્રસ્ટ સાથેના તેમના લાંબા ગાળાના જોડાણને ઉજાગર કરતા, વડાપ્રધાન મોદીએ 9 વિનંતીઓ આગળ મૂકી. સૌ પ્રથમ પાણીના દરેક ટીપાને બચાવો અને જળ સંરક્ષણ અંગે, જાગૃતિ કેળવો. બીજું- ગ્રામીણ સ્તરે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશે જાગૃતિ લાવવા. ત્રીજું- તમારા ગામ, વિસ્તાર અને શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે કામ કરો. ચોથું- સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર કરો અને બને ત્યાં સુધી મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોનો ઉપયોગ કરો. પાંચમું- દેશમાં પ્રવાસ કરો અને સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપો. છઠ્ઠું- ખેડૂતોને કુદરતી ખેતી વિશે જાગૃત કરો. સાતમું- તમારા રોજિંદા આહારમાં બાજરીનો સમાવેશ કરો. આઠમું – ફિટનેસ, યોગ કે રમતગમતમાં સામેલ થાઓ અને તેને જીવનનો અભિન્ન ભાગ બનાવો અને છેલ્લે નવમું – કોઈપણ પ્રકારના વ્યસન અને નશાના લતથી દૂર રહો.” વડાપ્રધાને શ્રીમંત વર્ગને, દેશમાં લગ્ન સમારંભો યોજવા અને વિદેશી ગંતવ્ય લગ્નો ટાળવા પણ વિનંતી કરી. મેડ ઇન ઇન્ડિયાની જેમ, હવે વેડ ઇન ઇન્ડિયા. એમ વડાપ્રધાને કહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / પવન / માધવી
