નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ શુક્રવારે હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવનકાંત મુંજાલની રૂ. 24.95 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે મુંજાલની સંપત્તિ જપ્ત કરી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,” નવી દિલ્હી સ્થિત પવનકાંત મુંજાલની ત્રણ સ્થાવર મિલકતો, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) 2002ની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે.” એજન્સીએ જણાવ્યું કે,” હીરો મોટોકોર્પ લિમિટેડના સીએમડી (ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર) પવન કાંત મુંજાલની કુલ રૂ. 24.95 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.”
નોંધનીય છે કે, ઇડી એ ઓગસ્ટમાં પવનકાંત મુંજાલ અને તેની કંપનીઓ વિરુદ્ધ પીએમએલએ 2002ની જોગવાઈ હેઠળ કેસ નોંધ્યા બાદ દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ચાર્જશીટને ધ્યાનમાં લીધા પછી ઇડી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેના પર ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ ભારતની બહાર લઈ જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી ના અનુસાર, ફરિયાદ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 54 કરોડ રૂપિયા નું વિદેશી ચલણ ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / માધવી
