સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર રહેતા રત્નકલાકાર સહિત સંખ્યાબંધ લોકો પાસેથી બે ઠગ બાજ ઇસમોએ પ્રધાનમંત્રી આવાસના મકાનો આપવાને બહાને તેઓની પાસેથી લાખો રૂપિયા પચાવી પાડ્યા હતા. જોકે બાદમાં આ તમામ લોકોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેઓએ ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે કુલ 10 થી વધુ લોકોની પોલીસ ફરિયાદ લઈ તેઓની સાથે 13.93 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની અને હાલમાં સુરતના કતારગામ વેડ રોડ પર રમણનગર સોસાયટીમાં રહેતા અશોકભાઈ ધીરુભાઈ પાંડવ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. ઓગસ્ટ 2023 માં તેઓ મૂળ સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને હાલમાં સુરતમાં વસવાટ કરતાં કેતનભાઇ ભૂતના સંપર્કમાં આવ્યા હતા. તેઓએ તથા પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટ ધરાવતા દિલીપકુમાર નામના વ્યક્તિએ ભેગા મળી અશોકભાઈ ને પ્રધાનમંત્રી આવાસના મકાનો ફાળવવાની લાલચ આપી હતી. જેથી અશોકભાઈએ તેની વાતોમાં આવી ગયા હતા અને કેતન ભૂતના કહેવાથી રવિ પટેલ નામના વ્યક્તિના ખાતામાં તથા દિલીપ કુમર નામના વ્યક્તિના ખાતામાં રૂપિયા એક લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ જ રીતે કેતન ભૂત અને દિલીપ એ ભેગા મળી અન્ય 10 થી વધુ લોકો પાસેથી પણ પ્રધાનમંત્રી આવાસના મકાનો ફાળવવાની લાલચ આપી તેઓની પાસેથી પણ પૈસા પડાવી લીધા હતા. અશોકભાઈ અને અન્ય વ્યક્તિઓને વિશ્વાસમાં લેવા માટે બંને ઠગબાજ ઇસમોએ તેઓને ખોટા લખાણો વાળી રસીદો બનાવી આપી હતી. છ મહિના કરતાં પણ વધુ સમય થવા છતાં મકાન નહીં મળતા અશોકભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેઓએ તમામ લોકોએ ભેગા મળી ગતરોજ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અશોકભાઈ અને તેની સાથેના અન્ય ભોગ બનનાર લોકોની મળી કુલ રૂપિયા 13.93 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
