ઉદયપુર, નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર બુધવારે ઉદયપુરના ખેરવાડા સ્થિત, વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા આદિવાસી બાળકો માટે બનાવવામાં આવેલી હોસ્ટેલમાં પહોંચ્યો હતો. આ હોસ્ટેલના નિર્માણ માટે અક્ષય કુમારે સહયોગ આપ્યો હતો. તેમના વચન મુજબ, હોસ્ટેલ પૂર્ણ થયા પછી અને કામકાજ શરૂ થયા પછી, તેઓ આવ્યા અને બાળકોને મળ્યા. ત્યાં તેમણે બાળકો સાથે આરતી પણ કરી અને બાળકોની નોટબુકો પણ જોઈ.
રાજસ્થાન વનવાસી કલ્યાણ પરિષદના ઉપાધ્યક્ષ જગદીશ જોશીએ જણાવ્યું હતું કે,” અક્ષય કુમારે ખેરવાડાના ખોખાદરામાં, વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા નિર્મિત હરિઓમ હોસ્ટેલના નિર્માણમાં 1 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. ત્યાં પહોંચ્યા બાદ તેમણે બાળકો સાથે પૂજા અને આરતી કરી હતી. અક્ષય કુમારને તેમની વચ્ચે જોઈને બાળકો ખુશ થઈ ગયા. બાળકોએ અક્ષય કુમાર સાથે તેમનો ફોટો પણ પડાવ્યો હતો.”
આ દરમિયાન અક્ષય કુમારે, હોસ્ટેલની ગતિવિધિઓની માહિતી લીધી. આદિવાસી બાળકો સાથે વાત કરતાં તેમણે, તેમની ભાવિ જરૂરિયાતો વિશે પણ જાણકારી મેળવી હતી અને વિકાસના કામોમાં સહકારની ખાતરી આપી હતી.
