રાજકોટ, નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી : ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન, રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ સાથે જોડાયો છે. અશ્વિને ફેમિલી મેડિકલ ઈમરજન્સીના કારણે, શુક્રવારે ટેસ્ટ અધવચ્ચે જ છોડી અને ઘરે પરત ફર્યો હતો. હવે અશ્વિન પુનરાગમન કરવા માટે તૈયાર છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ, રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” કૌટુંબિક કટોકટીના કારણે, ટૂંકી ગેરહાજરી બાદ બોર્ડે આરનો ટીમમાં સમાવેશ કર્યો છે. અશ્વિનની વાપસીની જાહેરાત કરીને ખુશી થઈ. અશ્વિનને કૌટુંબિક કટોકટીમાં હાજરી આપવા માટે, રાજકોટમાં ત્રીજી ટેસ્ટના બીજા દિવસ પછી અસ્થાયી રૂપે ટીમમાંથી ખસી જવું પડ્યું હતું. આર.અશ્વિન અને ટીમ મેનેજમેન્ટ, બંને એ વાતની પુષ્ટિ કરતા ખુશ છે કે, તે ચોથા દિવસે ફરી એક્શનમાં આવશે અને ચાલુ ટેસ્ટ મેચમાં ટીમ માટે યોગદાન આપવાનું ચાલુ રાખશે.”
બીસીસીઆઈએ વધુમાં કહ્યું કે,” ટીમ મેનેજમેન્ટ, ખેલાડીઓ, મીડિયા અને પ્રશંસકોએ પરિવારના મહત્વને, પ્રાથમિકતા તરીકે સ્વીકારીને ખૂબ સમજણ અને સહાનુભૂતિ દર્શાવી છે. ટીમ અને સમર્થકો, આ પડકારજનક સમયમાં અશ્વિનના સમર્થનમાં એકજુટ થઈને ઉભા રહ્યા છે અને મેનેજમેન્ટ તેને મેદાન પર ફરી આવકારવા માટે ખુશ છે. આ સાથે બીસીસીઆઈએ, અશ્વિન અને તેના પરિવારને ગુપ્તતા જાળવવા વિનંતી કરી છે. કારણ કે તેઓ આ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે.”
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે પણ, ચાલુ છે. ભારતીય ટીમે મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ટીમ બીજા દાવમાં 4 વિકેટે 396 રન પર રમી રહી છે. ટીમની કુલ લીડ 522 થઈ ગઈ છે.
