નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : દેશના કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી) એ ભવિષ્ય નિધિ પર વ્યાજ દરો નક્કી કર્યા છે. ઈપીએફઓ એ, વર્ષ 2023-24 માટે પીએફ થાપણો પર 8.25 ટકાના વ્યાજ દરની જાહેરાત કરી છે. ગયા વર્ષે 28 માર્ચે ઈપીએફઓ એ, વર્ષ 2022-23 માટે 8.15 ટકાના દરની જાહેરાત કરી હતી. તે પહેલા (2021-22) આ જ દર 8.10 ટકા હતો.
કર્મચારી ભવિષ્ય નિધિ, એ પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન છે. વધુમાં, નોકરી આપતી કંપનીઓએ પણ ઈપીએફ ખાતામાં સંબંધિત યોગદાન આપવું જરૂરી છે. સરકારી નિવૃત્તિ ફંડ તરીકે ઓળખાતા, ઈપીએફઓ ના કુલ 6 કરોડથી વધુ સભ્યો છે. દર મહિને કર્મચારીઓ તેમની કમાણીના 12 ટકા તેમના નામના ઈપીએફ ખાતામાં ફાળો આપે છે. રોજગારી આપતી કંપનીઓ ઈપીએફ ખાતામાં માત્ર 3.67 ટકા ફાળો આપે છે, બાકીના 8.33 ટકા કર્મચારી પેન્શન યોજના (ઈપીએસ)માંથી ફાળવવામાં આવે છે. ઈપીએફઓ ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા ઈપીએફ ના વ્યાજ દરની વાર્ષિક સમીક્ષા કરવામાં આવે છે. નાણા મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા ભલામણ કરાયેલા દરોને ધ્યાનમાં લઈને અંતિમ વ્યાજ દરો સૂચિત કરવામાં આવે છે. આ રકમ કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં દર મહિને એકઠી કરવામાં આવે છે. પરંતુ સંબંધિત નાણાકીય વર્ષના અંતે એટલે કે 31મી માર્ચે, આ ખાતામાંની રકમ વર્ષમાં માત્ર એક જ વાર વ્યાજ મેળવે છે. જ્યારે ઈપીએફઓ નાણાકીય વર્ષ માટે વ્યાજ દરની જાહેરાત કરે છે અને વર્ષ પૂરું થાય છે, ત્યારે વ્યાજની ગણતરી દરેક મહિનાના અંતે ખાતામાં રહેલી રકમના આધારે કરવામાં આવે છે. ત્યારબાદ વ્યાજ દર વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે.
ગયા વર્ષે રૂ. 90,497.57 કરોડની ચોખ્ખી આવક પહોંચાડવાનો લક્ષ્યાંક હતો. સભ્યોના ખાતામાં વ્યાજની સંચય પછી રૂ. 663.91 કરોડના સરપ્લસનો અંદાજ હતો. ગયા વર્ષે જુલાઈમાં, શ્રમ મંત્રાલયે, સીબીટી ને નાણા મંત્રાલયની પૂર્વ મંજૂરી વિના 2023-24 માટે વ્યાજ દરોની જાહેરાત ન કરવા જણાવ્યું હતું.
