નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ, ”તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા” શુક્રવારે, 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. આવી સ્થિતિમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થયેલી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ વીકએન્ડ પર સારી કમાણી કરી શકે છે.
ફિલ્મે પહેલા દિવસે 6.5 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની વાર્તા એવી છે કે, શાહિદ કપૂર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને બનાવેલા રોબોટના પ્રેમમાં પડે છે. રોબોટની ભૂમિકા કૃતિ સેનન ભજવી રહી છે. તેના પાત્રનું નામ સિફરા છે. શાહિદ કપૂરના પાત્રનું નામ આર્યન અગ્નિહોત્રી છે અને તે એન્જિનિયર છે. આર્યન રોબોટ સાથે માત્ર પ્રેમમાં નથી પડતો પણ તેની સાથે લગ્ન પણ કરે છે.
સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ અંદાજે 50 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ફિલ્મે પહેલા દિવસે સારી શરૂઆત કરી છે, તેથી એવું લાગે છે કે, ફિલ્મ સપ્તાહના અંતે તેના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો કરશે. ”તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા”, અમિત જોશી અને આરાધના સાહ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તેનું નિર્માણ દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં શાહિદ અને કૃતિની સાથે, ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શાહિદ અને કૃતિની કેમેસ્ટ્રી પણ દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મને આઈએમડીબી પર 6.5 રેટિંગ મળ્યું છે.
