ઉત્તરકાશી, નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ. સ.). ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જો ત્યાં કોઈ અવરોધો ન હોય તો, બચાવ કાર્યકર્તાઓ આગામી બે દિવસમાં કામદારો સુધી પહોંચી શકે છે. દરમિયાન, હૈદરાબાદથી મંગાવેલા પ્લાઝ્મા અને લેસર કટર વડે 800 મીમીની પાઈપમાં ફસાયેલા ઓગર મશીનની બ્લેડને કાપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા આજે (સોમવારે) અહીં પહોંચે તેવી શક્યતા છે. પાઇપમાંથી મશીનનો કાટમાળ હટાવ્યા બાદ મેન્યુઅલ ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.
નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહમૂદ અહમદે સિલ્ક્યારામાં પત્રકારોને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 24 મીટર વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. કુલ 86 મીટર ખોદકામ કરવું પડશે. ટનલના ઉપરના અને અન્ય છેડેથી કામ ઝડપી બનાવવા વધુ ટીમો બોલાવવામાં આવી છે. આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીથી ઓએનજીસી ની એક ટીમ આવી પહોંચી છે.
ભારતીય સેનાના એન્જિનિયરિંગ કોર્પ્સનું એક જૂથ, મદ્રાસ સેપર્સનું એક એકમ રવિવારે રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરવા સિલ્ક્યારા પહોંચ્યું હતું. તેમાં 30 સૈનિકો છે. આ લશ્કરી જવાનો, નાગરિકો સાથે, હાથ, હથોડી અને છીણી વડે ટનલની અંદરનો કાટમાળ ખોદશે. ત્યારબાદ તેની અંદર બનેલા પ્લેટફોર્મ પરથી પાઇપને આગળ ધકેલવામાં આવશે. વાયુસેના પણ મદદમાં લાગેલી છે. વાયુસેનાએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન તરફથી ઘણા મહત્વપૂર્ણ ઉપકરણો મોકલ્યા છે.
દરમિયાન, ટનલમાં ફસાયેલા 41 મજૂરો સુધી પહોંચવાની ફરી આશા છે. રવિવારથી ચાર માર્ગો દ્વારા મજૂરો સુધી પહોંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાઇપમાં ફસાયેલા ઓગર મશીનની બ્લેડને હૈદરાબાદના લેસર કટર અને ચંદીગઢના પ્લાઝમા કટરથી કાપવામાં આવી રહી છે. સારી વાત એ છે કે, સુરંગમાં કામદારો પાસે ગઈકાલે પહેલીવાર બીએસએનએલ ની ઘંટડી વાગી હતી. છ ઇંચની પાઇપ દ્વારા તેની લાઇન આપવાની સાથે, બીએસએનએલ એ લેન્ડલાઇન ફોન પણ પ્રદાન કર્યો છે.
રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ આંતરરાષ્ટ્રીય ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સે કહ્યું છે કે, ટનલ તૂટી પડવી એ એક અસામાન્ય ઘટના છે. આની તપાસ થવી જોઈએ. જે વિસ્તાર ધરાશાયી થયો, તે અગાઉ ક્યારેય ધરાશાયી થયો ન હતો. નોડલ ઓફિસર ડૉ.નીરજ ખૈરવાલ કહે છે કે, આજે હાથથી ખોદકામ શરૂ કરવાની યોજના છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો વરસાદ પડે તો બચાવ કામગીરીમાં અડચણ આવી શકે છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવાના તમામ પ્રયાસો ચાલુ છે. હસનૈને કહ્યું કે વર્ટિકલ ડ્રિલિંગ, જે બીજા શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે, તે બપોરના સુમારે શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે 86 મીટરની ઊભી ડ્રિલિંગ પછી, ફસાયેલા કામદારોને બચાવવા માટે ટનલનું ઉપરનું સ્તર તોડવું પડશે. કામદારોને બચાવવા માટે છ યોજનાઓ અમલમાં છે. અત્યાર સુધી શ્રેષ્ઠ વિકલ્પ આડી ડ્રિલિંગ છે. આ અંતર્ગત 47 મીટરનું ડ્રિલિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ટનલના કાટમાળમાં ડ્રિલિંગ કરી રહેલા ઓગર મશીનની બ્લેડ શુક્રવારે રાત્રે કાટમાળમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે અધિકારીઓને અન્ય વિકલ્પો પર વિચાર કરવાની ફરજ પડી હતી. ચારધામ યાત્રા રૂટ પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ 12 નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. આ દરમિયાન 41 કામદારો ફસાયા હતા. ત્યારથી તેમને બહાર કાઢવા માટે વિવિધ એજન્સીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
