નવી દિલ્હી, 17 ઓક્ટોબર : સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. ચાર જજો સીજેઆઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ હિમા કોહલી ની બેન્ચે, સમલૈંગિક લગ્ન પર વિભાજિત ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમલૈંગિકો સાથે રહી શકે છે, પરંતુ લગ્નને માન્યતા આપી શકાતી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદને છે, તેથી કેન્દ્ર સરકારને એલજીબીટીકયુ સમુદાય સામે ભેદભાવ રોકવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
આ મામલામાં ચુકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સમલૈંગિક કપલ્સને પણ સામાન્ય લોકોની જેમ તેમના અધિકારો મળવા જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે, સમલૈંગિક યુગલો વધુ સારા માતા-પિતા ન બની શકે તેવી દલીલ યોગ્ય નથી. સામાન્ય યુગલો વધુ સારા માતાપિતા હોય છે, તે સાબિત કરવા માટે કોઈ અભ્યાસ નથી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સમલૈંગિક યુગલોને લગ્ન કરવાનો અધિકાર છે. સમલૈંગિક યુગલોને પણ બાળક દત્તક લેવાનો અધિકાર છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સમલૈંગિકતા માત્ર શહેરો સુધી સીમિત નથી, પરંતુ ગામડામાં ખેતીમાં કામ કરતી મહિલા પણ સમલૈંગિક હોઇ શકે છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, લગ્નની સંસ્થા સ્થિર અને અપરિવર્તનશીલ છે તેવું કહેવું યોગ્ય નથી. કાયદા દ્વારા લગ્ન પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદને છે. અદાલતે સંસદના અધિકારક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવામાં સાવચેત રહેવું જોઈએ. બંધારણીય બેંચના સભ્ય જસ્ટિસ સંજય કિશન કૌલે, ચીફ જસ્ટિસના નિર્ણય સાથે સહમતિ દર્શાવી હતી. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે ચીફ જસ્ટિસના નિર્ણય સાથે અસંમત હતા અને કહ્યું કે, સમલૈંગિક યુગલોને બાળક દત્તક લેવાનો અધિકાર આપી શકાય નહીં. જસ્ટિસ હિમા કોહલી જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટના નિર્ણય સાથે સહમત રહ્યા.
સુપ્રીમ કોર્ટે દસ દિવસ સુધી આ મામલાની સુનાવણી કર્યા બાદ 11 મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સે કહ્યું હતું કે, લિંગનો ખ્યાલ ‘પરિવર્તનશીલ’ હોઈ શકે છે, પરંતુ માતા અને માતૃત્વ નહીં. કોર્ટે કહ્યું હતું કે, બાળકનું કલ્યાણ સર્વોપરી છે. દેશનો કાયદો વિવિધ કારણોસર દત્તક લેવાની મંજૂરી આપે છે. એકલી વ્યક્તિ પણ બાળકને દત્તક લઈ શકે છે. આવા સ્ત્રી કે પુરૂષો એકપત્નીત્વ સંબંધમાં હોઈ શકે છે. કોર્ટે કહ્યું કે, જો તમે બાળકો પેદા કરવા સક્ષમ છો તો પણ તમે બાળકને દત્તક લઈ શકો છો. જૈવિક બાળકો માટે કોઈ મજબૂરી નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, લગ્ન અને છૂટાછેડાના મામલે કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદને જ છે. આવી સ્થિતિમાં કોર્ટ કેટલી હદ સુધી જાય છે, તે જોવાનું રહેશે. સુનાવણી દરમિયાન એક અરજીકર્તાના વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું હતું કે, સરકારનો જવાબ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. આ કેશવાનંદ ભારતી અને પુટ્ટુ સ્વામી કેસમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયની પણ વિરુદ્ધ છે. કારણ કે ન્યાયિક સમીક્ષાનો અધિકાર પણ કલમ 32 હેઠળ બંધારણની મૂળ ભાવના છે. 13 માર્ચે કોર્ટે આ મામલાને બંધારણીય બેંચને મોકલી આપ્યો હતો.
