લંડન, નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.). લિવરપૂલના સ્ટાર સ્ટ્રાઈકર મોહમ્મદ સલાહે એક નવો ઇતિહાસ રચ્યો છે. તે ત્રીજી વખત પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશન (પીએફએ) મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
સલાહે, અગાઉ 2018 અને 2022 માં આ ખિતાબ જીત્યો હતો. આ વખતે તે છ ખેલાડીઓની શોર્ટલિસ્ટમાં ટોચ પર હતો, જેમાં તેના લિવરપૂલ ટીમના સાથી એલેક્સિસ મેક એલિસ્ટર, માન્ચેસ્ટર યુનાઇટેડના બ્રુનો ફર્નાન્ડીઝ, ન્યૂકેસલના સ્ટ્રાઈકર એલેક્ઝાન્ડર ઇસાક, ચેલ્સીના કોલ પાલ્મર અને આર્સેનલના ડેક્લાન રાઇસનો સમાવેશ થાય છે.
33 વર્ષીય સલાહને, ગયા સિઝનમાં લિવરપૂલની પ્રીમિયર લીગ ટાઇટલ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ આ સન્માન મળ્યું હતું. તેણે 2024-25 સિઝનમાં 29 ગોલ અને 18 આસિસ્ટ કર્યા હતા, જેના કારણે તે લીગનો ટોપ સ્કોરર બન્યો હતો.
સલાહને, આ સિઝનમાં પ્રીમિયર લીગ પ્લેયર ઓફ ધ સીઝન અને ફૂટબોલ રાઇટર્સ એસોસિએશન ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યા હતા.
આ ઉપરાંત, એસ્ટન વિલાના મિડફિલ્ડર મોર્ગન રોજર્સને યંગ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ મેનેજર ગેરેથ સાઉથગેટને 2025 પીએફએ મેરિટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
