નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિં.સ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માં, બોલરોને પ્રતિ ઓવર બે બાઉન્સર ફેંકવાની મંજૂરી આપવામાં આવશે. ઇએસપીએનક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર, આ એડજસ્ટમેન્ટનો હેતુ બેટ અને બોલ વચ્ચે, વધુ સંતુલિત હરીફાઈ બનાવવાનો છે. જેનાથી બોલરો વધુ પ્રભાવ પાડી શકે તેવા વાતાવરણ તરફ દોરી જશે. ભારતની સ્થાનિક ટી-20 ટુર્નામેન્ટ, 2023-24 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન, રમવાની સ્થિતિમાં આ ફેરફારની કસોટી કરવામાં આવી હતી.
આઈપીએલ 2023 માં સૌપ્રથમ રજૂ કરાયેલ, ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ યથાવત રહેશે. આ નિયમ હેઠળ, ટોસ સમયે, ટીમે પ્લેઇંગ ઇલેવન ઉપરાંત ચાર અવેજી ખેલાડીઓની યાદી આપવી પડશે. તેઓ આ ચારમાંથી કોઈપણ એકનો ઉપયોગ તેમના ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કરી શકે છે.
જો કોઈ ટીમ તેમની શરૂઆતની અગિયારમાં, ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરે છે, તો તેઓ માત્ર એક ભારતીયને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવી શકે છે. તેનો ઉદ્દેશ્ય દરેક રમત દીઠ વિદેશી ખેલાડીઓની સંખ્યાને, ટીમ દીઠ ચાર સુધી મર્યાદિત કરવાનો છે, જે આઈપીએલ તેની શરૂઆતથી અનુસરે છે. જો કે, જો કોઈ ટીમ તેમની ઈલેવનમાં ત્રણ કે તેથી ઓછા વિદેશી ખેલાડીઓ સાથે, શરૂઆત કરે છે, તો તેઓ એક વિદેશી ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવી શકે છે. પરંતુ આવનાર વિદેશી ખેલાડી ટોસ સમયે, નામ આપવામાં આવેલ ચાર અવેજી ખેલાડીઓમાંથી એક હોવો જોઈએ.
ખેલાડીઓના પ્રભાવના નિયમને કારણે, ઓલરાઉન્ડરોના મૂલ્યમાં અમુક અંશે ઘટાડો થયો છે. જેમાં વેંકટેશ ઐયર, વિજય શંકર અને શિવમ દુબે જેવા ખેલાડીઓ છેલ્લી સિઝનમાં, તેમની ટીમ માટે મોટાભાગે બેટ્સમેન તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
ટ્રેડિંગ વિન્ડો હાલમાં બંધ છે, પરંતુ મીની-ઓક્શનના એક દિવસ પછી 20 ડિસેમ્બરે ફરી ખુલશે અને 2024 સીઝન શરૂ થાય, તેના એક મહિના પહેલા સુધી ખુલ્લી રહેશે.
આઈપીએલ 2024, 22 માર્ચથી મેના અંતમાં રમાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા ભારતની સામાન્ય ચૂંટણી માટે, મતદાનની તારીખોને આખરી રૂપ આપ્યા પછી અંતિમ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
