મિયામી, નવી દિલ્હી,22 ફેબ્રુઆરી : સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ, કોવિડ-19 અને અમેરિકી પ્રવાસ પ્રતિબંધોને કારણે, પાંચ વર્ષના અંતરાલ પછી આવતા મહિને મિયામી ઓપનમાં પરત ફરવા માટે તૈયાર છે.
વર્લ્ડ નંબર 1 જોકોવિચ, છ મિયામી ઓપન ટાઇટલ જીતવાનો રેકોર્ડ ધરાવે છે, પરંતુ તે તાજેતરના વર્ષોમાં તે સંખ્યા વધારવાનો પ્રયાસ પણ કરી શક્યો નહીં કારણ કે, યુનાઇટેડ સ્ટેટ્સે રસી વગરના વિદેશીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી.
બુધવારે, ટુર્નામેન્ટના આયોજકોએ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદી બહાર પાડી, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડેનિલ મેદવેદેવ અને 2023ના ફાઇનલિસ્ટ જેનિક સિનરનો પણ, સમાવેશ થાય છે.
અન્ય ખેલાડીઓમાં, સ્પેનના કાર્લોસ અલ્કારાઝ, અમેરિકન ટેલર ફ્રિટ્ઝ, ટોમી પોલ, ફ્રાન્સિસ ટિયાફો અને બેન શેલ્ટનનો સમાવેશ થાય છે.
મહિલા વર્ગમાં, વિશ્વની નંબર 1 ઇગા સ્વાઇટેક બીજા મિયામી ઓપન ટાઇટલની શોધમાં હશે. તેણે અગાઉ 2022માં ફાઇનલમાં ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા નાઓમી ઓસાકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
આ વર્ષે એક પણ સેટ ગુમાવ્યા વિના, પોતાનું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જાળવી રાખનાર વિશ્વની નંબર 2 એરીના સબાલેન્કા, ફ્લોરિડાના વતની કોકો ગોફ, જેસિકા પેગુલા અને મેડિસન કીઝ પણ ટુર્નામેન્ટમાં જોવા મળશે.
વર્તમાન મહિલા ચેમ્પિયન પેટ્રા ક્વિટોવા, આ વર્ષે રમી રહી નથી. તેણે વર્ષની શરૂઆતમાં તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. આ વર્ષની મિયામી ઓપન 17 થી 31 માર્ચ દરમિયાન યોજાશે.
