
ગાંધીનગર, ૩૧ ડિસેમ્બર (હિ.સ.): ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) ખાતે 28મી ઇન્ટર IIT સ્ટાફ સ્પોર્ટ્સ મીટ સમાપ્ત થઈ. છ દિવસ સુધી ચાલેલી આ રોમાંચક ઈવેન્ટમાં 1500થી વધુ ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોની ધીરજ અને મિત્રતાના સુંદર સંતુલન સાથે એકબીજા સામે સ્પર્ધા કરી હતી, જેમાં શ્રેષ્ઠ એથ્લેટિક ક્ષમતાઓ જોવા મળી.
ભારતીય પેરા-એથલીટ નિમિષા સી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની લાંબી કૂદની T47 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તેમની હાજરીમાં સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને 40 કે 50 વર્ષથી ઉપરની ઉંમરમાં પણ અસાધારણ એથ્લેટિક ભાવના દર્શાવવા બદલ તમામ ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોની પ્રશંસા કરી અને તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા. તેમણે આગામી પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતને ગૌરવ અપાવવાની આશા વ્યક્ત કરી હતી.
સૌથી વધુ 42 પોઈન્ટ સાથે, IIT બોમ્બેએ ઇન્ટર IIT સ્ટાફ સ્પોર્ટ્સ મીટ 2023ની ઓવરઓલ જનરલ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે. મહિલા વર્ગમાં જનરલ ચેમ્પિયનશિપ ટ્રોફી IIT બોમ્બે અને IIT ખડગપુર દ્વારા સંયુક્ત રીતે જીતવામાં આવી, અને પુરૂષ વર્ગમાં IIT દિલ્હીએ જનરલ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. IIT ગાંધીનગર તરફથી, પ્રોફેસર હરીશ પીએમ, પ્રોફેસર પ્રત્યુષ દયાલ, પ્રોફેસર જેસન મંજલી અને શશાંક યાદવની સ્ક્વોશ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો અને સુશ્રી લક્ષ્મી હિરાનીએ શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
સુશ્રી નિમિષા સી, પ્રોફેસર રજત મૂના (IITGNના ડિરેક્ટર અને ઇન્ટર IIT સ્પોર્ટ્સ બોર્ડના અધ્યક્ષ), પ્રોફેસર શિવપ્રિયા કિરુબાકરન (IITGN ખાતે વિદ્યાર્થી બાબતોના ડીન અને ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટ 2023ની આયોજક સમિતિના અધ્યક્ષ) પ્રોફેસર અભિજિત મિશ્રા (IITGN ખાતે રમતગમતના વડા અને ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટ 2023ના કન્વીનર) અને દિનેશ પરમાર (IITGNના વરિષ્ઠ શારીરિક તાલીમ પ્રશિક્ષક અને ઇન્ટર IIT સ્પોર્ટ્સ મીટ 2023ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી) એ વિવિધ કેટેગરીમાં વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી અને રમતો દરમિયાન તમામ ટીમો દ્વારા દર્શાવવામાં આવેલ ખેલદિલીની ભાવનાની પ્રશંસા કરી.
આ ઈવેન્ટનું ઉદ્ઘાટન 24 ડિસેમ્બર, 2023ના રોજ ભૂતપૂર્વ ભારતીય પ્રોફેશનલ ફૂટબોલર જતિન સિંહ બિશ્તની મુખ્ય અતિથિ તરીકેની હાજરીમાં કરવામાં આવ્યું હતું. તમામ 23 IITના 1500 થી વધુ સ્ટાફ મેમ્બરોએ અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, જેવી કે એથ્લેટિક્સ (જેમ કે રનિંગ, ડિસ્કસ થ્રો, જેવલિન થ્રો, લોંગ જમ્પ, શોટ પુટ, ટ્રિપલ જમ્પ, વગેરે), ફૂટબોલ, ક્રિકેટ, સ્ક્વોશ, બાસ્કેટબોલ, ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન, અને ટેબલ ટેનિસ, માં એકબીજા સામે મુકાબલો કર્યો. આગામી ઇન્ટર IIT સ્ટાફ સ્પોર્ટ્સ મીટ 2024માં IIT કાનપુર દ્વારા યોજવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી
