
નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ) એ, શુક્રવારે રઘુરામ ઐય્યર ને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
આઇઓએ ની એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ) નોમિનેશન કમિટિ દ્વારા હાથ ધરવામાં આવેલી સાવચેતીભર્યા પસંદગી પ્રક્રિયા પછી રઘુરામ ઐય્યર ની મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂકની જાહેરાત કરીને ખુશ છે.
આઇઓએ અધ્યક્ષ પીટી ઉષાએ નોમિનેશન કમિટિ વતી વાત કરી અને આઇઓએ ને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઐય્યર ની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
ઉષાએ કહ્યું, અમે માનીએ છીએ કે રઘુરામ ઐય્યર નેતૃત્વ, વ્યૂહાત્મક દ્રષ્ટિ અને રમતગમત પરિદ્રશ્ય ની ઊંડી સમજણનો અનોખો સમન્વય લાવે છે. તેમની નિમણૂક વૈશ્વિક મંચ પર ભારતીય રમતોની સતત વૃદ્ધિ અને સફળતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે વધુમાં ઉમેર્યું, “આઇઓએ માં સીઇઑ ની સફળ નિમણૂકમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના આદરણીય સભ્યોના અતૂટ સહકાર અને પૂરા હૃદયપૂર્વકના સમર્થન માટે હું આભારી છું. આ સીમાચિહ્ન હાંસલ કરવામાં તેમનું સમર્પણ મહત્ત્વપૂર્ણ રહ્યું છે, અને હું આગળ ઉપર પણ સતત દેખાવની આશા રાખું છું.
ઐય્યરને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં ઘણો અનુભવ છે, કારણ કે તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સના સીઇઓ તરીકે સેવા આપી છે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ
