
નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ.) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ચાલુ રાખવા માટે કરાર લંબાવવાની ઓફર કરી છે.
ઈએસપીએનક્રિકઇન્ફો અનુસાર, બીસીસીઆઈ દ્વારા દ્રવિડનો કાર્યકાળ લંબાવવાની વાત સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે,, દ્રવિડે આ ઓફર સ્વીકારી છે કે નહીં.
જો દ્રવિડ આ ઓફર સ્વીકારે છે, તો તેના બીજા કાર્યકાળમાં તેની પ્રથમ સોંપણી ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ હશે, જે 10 ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં ત્રણ તી-20 અને તેટલી બધી વન-ડે રમાશે. આ પછી, બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે, જેમાંથી પ્રથમ મેચ 26 ડિસેમ્બરે સેન્ચુરિયનમાં અને બીજી 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ત્યારપછી જૂનમાં ટી-20 વર્લ્ડ કપ પહેલા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.
2021માં ટી-20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રીની જગ્યાએ દ્રવિડને બે વર્ષ માટે ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વન-ડે વર્લ્ડ કપ સાથે તેનો કરાર સમાપ્ત થયો છે. વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. કોચ તરીકે દ્રવિડના કાર્યકાળમાં આઈસીસી ઈવેન્ટ્સની ફાઇનલમાં ભારતની આ બીજી હાર હતી. આ પહેલા ભારતને આ વર્ષે જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.આ પહેલા 2022 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
જો દ્રવિડ કોચ તરીકે ચાલુ રહે છે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ), પારસ મ્હામ્બરે (બોલિંગ કોચ) અને ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ) પણ તેમના પદ પર ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / માધવી
