
નવી દિલ્હી, 9 ડિસેમ્બર (હિ. સ.). રાષ્ટ્રીય રાજધાનીમાં 10 થી 17 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સની ઉદ્ઘાટન આવૃત્તિ માટે કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે તબીબી સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. પેરા એથ્લેટ્સને તેમની ચોક્કસ જરૂરિયાતો અને પડકારોને કારણે ઘણીવાર વિશિષ્ટ અને સંવેદનશીલ તબીબી સંભાળની જરૂર પડે છે અને તેથી, નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ (એનસીએસએસઆર) એ વિવિધ તબીબી પરિસ્થિતિઓના સંચાલનમાં તાલીમ પામેલા વ્યાવસાયિકોની નિમણૂક કરી છે.
એનસીએસએસઆર, એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ) દ્વારા અમલમાં મૂકાયેલ એક યોજના છે જેનો ઉદ્દેશ્ય રમતગમત પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ઉચ્ચ સ્તરીય સંશોધન, વિજ્ઞાન અને રમત-ગમતની દવાઓનું પ્રશિક્ષણ પ્રદાન કરવા અને નવીનતાને સમર્થન આપવાનો છે.
સોમવાર 11 ડિસેમ્બરે ભવ્ય ઉદઘાટન સમારોહ માટે નિર્ધારિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ દરમિયાન, સ્પર્ધકોને ઇવેન્ટના સંગઠનાત્મક સમર્થનના ભાગ રૂપે વ્યાપક તબીબી કવરેજ પ્રાપ્ત થશે. આ કવરેજમાં કટોકટીની તબીબી સેવાઓ, સાઇટ પરની તબીબી ટીમો અને આવશ્યક આરોગ્યસંભાળ સુવિધાઓનો સમાવેશ થાય છે.
એનસીએસએસઆર ના પ્રભારી બ્રિગેડિયર બિભુ નાયકે શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુવા બાબતોના મંત્રાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા વિભાગ વતી એનસીએસએસઆર દ્વારા તમામ સંભવિત પગલાં લેવામાં આવ્યા છે અને ભાગ લેનારા તમામ સહભાગીઓ પેરા-એથ્લેટ્સને રમતો દરમિયાન સુરક્ષિત રીતે સ્પર્ધા કરવા અને કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે જરૂરી તબીબી સહાય મળે તે સુનિશ્ચિત કર્યું છે.
તેમણે કહ્યું, તેમની ચોક્કસ જરૂરિયાતો અને પડકારોને કારણે જરૂરી વિશેષ તબીબી સંભાળને ધ્યાનમાં રાખીને રમતો માટે એક વ્યાપક તબીબી કવર મૂકવામાં આવ્યું છે,
તબીબી કવર યોજનામાં રમતના મેદાનમાં સમર્પિત સહાયક સ્ટાફ, દરેક સ્થળે તબીબી કેન્દ્રો પર રિસુસિટેશન રૂમ અને સ્ટેબિલાઇઝેશન રૂમની સ્થાપના, તેમજ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના નજીકના તૃતીય સંભાળ તબીબી કેન્દ્રમાં તાત્કાલિક સ્થળાંતર કરવા માટે પૂરતી સંખ્યામાં એએલએસ અને બીએલએસ એમ્બ્યુલન્સ નો સમાવેશ થાય છે.
તાત્કાલિક તબીબી કટોકટી સેવાઓ તેમજ ઇમેજિંગ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અગ્રણી હોસ્પિટલો જેમ કે એઇમ્સ ટ્રોમા સેન્ટર, લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રામ મનોહર લોહિયા હોસ્પિટલ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ દ્વારા સ્પર્ધકો માટે કોઈપણ ઈમરજન્સીના સંજોગોમાં સમર્પિત 50 બેડની આઈસીયુ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વ્યાપક તબીબી કવર પૂરું પાડવાનું કાર્ય સોંપવામાં આવેલ તબીબી સ્ટાફ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સારી રીતે સંવેદનશીલ અને પર્યાપ્ત રીતે પ્રશિક્ષિત છે. એસએઆઈ ના રમત પોષણ નિષ્ણાતો દ્વારા પેરા એથ્લેટ્સની અનન્ય પોષક જરૂરિયાતોને પહોંચી વળવા, ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ દરમિયાન ફૂડ મેનુ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મેડીકલ ઓફિસર, નર્સિંગ આસિસ્ટન્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ અને વધુ સહિત ઓછામાં ઓછા 60 સ્ટાફને ગેમ્સ દરમિયાન ત્રણેય સ્થળો પર તૈનાત કરવામાં આવ્યા છે. રમતગમતના સ્થળોમાં જેએલએન સ્ટેડિયમ, આઈજી સ્ટેડિયમ અને ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ
