સુરત , 20 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેર અને જિલ્લામાં બુધવાર વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો. ગણતરીનાં સમયમાં જ બે ઈંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને કતારગામ અને વરાછાના વિસ્તારોમાં બબ્બે ફૂટ સુધી પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
જહાંગીરપુરાની સ્વામિ વિવેકાનંદ કોલેજમાં પાણી ભરાઈ જતાં આજે રજા જાહેર કરવામાં આવી હતી.
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર રૂલ લેવલની નજીક પહોંચી છે. હાલ ડેમની સપાટી 344.75 ફુટ નોંધાઈ છે, જ્યારે રૂલ લેવલ 345 ફુટ છે. ઈનફ્લો 1.25 લાખ ક્યુસેકને પાર થતાં એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ કારણે તાપી નદી બંને કાંઠે ખળખળ વહેતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકથી નદીમાં સતત 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાતાં પાણીની સપાટીમાં વધારો થયો છે.
ફ્લડ કંટ્રોલ વિભાગ મુજબ બપોરે 12 વાગ્યા સુધી વરસાદનો આંકડો આ મુજબ રહ્યો:
સેન્ટ્રલ ઝોન : 32 મીમી
રાંદેર ઝોન : 55 મીમી
કતારગામ : 49 મીમી
વરાછા ઝોન (A અને B) : 2 ઈંચથી વધુ
લિંબાયત : 11 મીમી
અઠવા : 2 મીમી
ઉધના : 3 મીમી
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે
