સુરત,27 ઓકટોબર (હિ.સ.) દિવાળીના તહેવારને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુચારૂ આયોજનથી રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ વતનમાં જવા એકસ્ટ્રા બસો દોડાવશે એમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે,છેવાડાના માનવી સુધી એસ. ટી. બસની કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નવી બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. એસ.ટી.વિભાગના કર્મચારીઓની માંગણીઓ અંતર્ગત મુખ્યમંત્રી સાથે તબક્કાવાર બેઠકો કરવામાં આવી છે. રાજ્યમાં એસ.ટી.નિગમ દ્વારા દરરોજની 8000થી વધુ બસો 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પાડે છે.દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. જેને ધ્યાને લઈને સૌથી વધુ એકસ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા 7મી નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ ૨૨૦૦ જેટલી વધુ બસો દોડાવવામાં આવશે.
રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસ નિગમની વિભાગીય કચેરીનાં ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને બ્દોની વિશેષ પુછપરછ માટે નિગમના ટોલ ફી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.આ વર્ષે એસ. ટી. વિભાગે ચેલેન્જ સ્વીકારી 2જી નવેમ્બરથી 10મી નવેમ્બર દરમિયાન દૈનિક 15 બસોનો વધારો કરીને 101 નવી એસ. ટી. બસો પ્રજાની સેવામાં મુકવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે.સુરતથી ભાડાની વિગતો જોઈએ તો અમરેલી રૂ. 400, સાવરકુંડલા રૂ.425, ભાવનગર રૂ. 350, મહુવા રૂ.405, રાજકોટ રૂ. 385, જુનાગઢ રૂ.435, જામનગર રૂ. 445, અમદાવાદ રૂ.280, દાહોદ રૂ.305, છોટાઉદેપુર રૂ.275 છે.
હિન્દુસ્થાન સમાચાર / ભાવેશ ત્રિવેદી
હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ
