અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) હવામાન વિભાગ પ્રમાણે પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. નવેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા નહિવત્ છે. જો કે, આગામી ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. કારણ કે, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. જે બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખા જ્યાં 21.8 ડિગ્રી અને સુરતમાં ન્યૂનતમ તાપમાન 20.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, એટલે કહી શકાય કે, અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો માહોલ અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
