મહેસાણા,28 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશકુમાર મેલાભાઈ રાવળનું અચાનક હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત અને પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત દિનેશભાઈનું આકસ્મિક અવસાન સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, BLO તરીકેની જવાબદારી નિભાવતાં તેમને ગામમાં નેટ કનેક્ટિવિટી સંબંધિત મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દિવસ દરમિયાન નેટ ન મળવાથી ફરજનું કામ પૂર્ણ કરી શકતા ન હોવાથી તેઓ વારંવાર રાત્રીના સમયે જાગીને જરૂરી કામગીરી કરતા. રાત્રે લગભગ 2 વાગ્યે તેઓ SIRની ટેક્નિકલ કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક છાતીમાં ભારે દુખાવો અનુભવતા તાત્કાલિક તેમની તબિયત બગડી ગઈ હતી. પરિવારજનોએ તેમને તરત જ હોસ્પિટલ લઇ જવાના પ્રયાસો કર્યા, પરંતુ સારવાર પહેલાં જ તેમનું અવસાન થયું હતું.
દિનેશભાઈ રાવળના અવસાનથી પરિવાર, શાળાના સ્ટાફ તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. શિક્ષક તરીકે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા તેમની નિષ્ઠા સૌ કોઈને પ્રેરણાદાયક હતી. તેમના સાદાઇભર્યા સ્વભાવ અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેઓ ગામમાં લોકપ્રિય હતા.
આ ઘટનાએ તે પણ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક અને ચૂંટણી જેવા વધારાના વહીવટી કાર્યો નિભાવતા શિક્ષકો પર વધતા દબાણને ઘટાડવા માટે તંત્રએ જરૂરી પગલાં લેવાની જરૂર છે. નેટ કનેક્ટિવિટી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે મધરાતે સુધી કામ કરવું પડે તેવું ન બને તેવી માંગ પ્રજાજનો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. દિનેશભાઈ રાવળની સેવાઓને ગામભાવના સાથે યાદ કરતા લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
