સુરત, 26 નવેમ્બર (હિ.સ.) : મહારાષ્ટ્રના માલેગાંવમાં શહેરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે બનેલ દુષ્કર્મ જેવી જઘન્ય ઘટનાને પગલે ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાના પડઘા હવે સુરત શહેરમાં પણ પડી રહ્યા છે. આ ઘટનાને લઈને શહેરમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમના હાથ કાપી ફાંસીની સજા કરવાની માંગ સાથે ઉધના વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી.
શહેરના ઉધના વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ન્યાય યાત્રામાં જોડાયેલા લોકોમાં માસુમ બાળકી સાથે ઘુણાસ્પદ કૃત્ય કરનાર નરાધ સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો.તેમજ આ નરાધમના હાથ કાપી તેને ફાંસીની સજા આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે માલેગાંવમાં ગત શુક્રવારે એક 4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને પથ્થર વડે તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે. સુરતમાં આ બનાવનો સખત વિરોધ કરવા અને આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવા માટે ઉધના વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા રાજે ચોકથી શરૂ થઈને છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી યોજવામાં આવી હતી.
—————
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે
