-વિદ્યાર્થીઓના મોડેલોથી વાલીઓમાં ઉત્સાહ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્મરણો વાગોળ્યા
ગીર સોમનાથ 2 જાન્યુઆરી (હિ.સ.)સુત્રાપાડા મુકામે આવેલી પીએમ પંચવટી સીમ પ્રાથમિક શાળા ખાતે આજરોજ ગણિત–વિજ્ઞાન પ્રદર્શન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન એમ દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન વિષય આધારિત અનેક સર્જનાત્મક મોડેલો તૈયાર કરી તેનું પ્રદર્શન કર્યું હતું.
નાના બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા મોડેલોનું ઉપસ્થિત વાલીઓ સમક્ષ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. વાલીઓએ બાળકોમાં રહેલી કુતુહલવૃત્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના આધારે બનેલા મોડેલો અને પ્રયોગોને રસપૂર્વક નિહાળ્યા હતા. આ પ્રસંગે શાળામાં અગાઉ અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં શાળામાં કરેલા અભ્યાસકાળના સંસ્મરણો વાગોળી શાળાપ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.
શાળાની વિદ્યાર્થીનીઓએ આવનાર તમામ મહેમાનો, વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી પરંપરાગત સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય દ્વારા પે. સેન્ટર શાળાના આચાર્ય અશોકભાઈ ચાવડા, શૈક્ષિક સંઘના ઉપાધ્યક્ષ રમેશભાઈ ડોડીયા, સી.આર.સી. કોર્ડીનેટર રમેશભાઈ બારડ, અજીતભાઈ મોરી, ભૂતપૂર્વ આચાર્ય અજયભાઈ ઝાલા, દીપુભાઈ વાઢેળ તથા એસ.એમ.સી.ના સભ્યોના હસ્તે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનઓએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સાથે પ્રયોગાત્મક શિક્ષણ તરફ પ્રોત્સાહિત કર્યા હતા. વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમથી તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન માટે નિર્ણાયક તરીકે દર્શનભાઈ ચાવડા અને ભગીરથભાઈ પરમારએ પોતાની ભૂમિકા નિભાવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને તમામ શિક્ષકગણ દ્વારા ઉત્તમ આયોજન અને મહેનત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને સહયોગીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
