


ગાંધીનગર, 29 ડિસેમ્બર (હિ.સ.): ગાંધીનગરના એસ.ટી. ડેપોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નવતર પહેલ કરવામાં આવી છે. એસ.ટી.ડેપોમાં પ્લાસ્ટિકની બોટલ ક્રશ કરવાનું મશીન મુકવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિકની બોટલ નાખવાથી કપડાની બેગ, નોટપેડ સહિતની વસ્તુઓ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.
આ મશીન ગાંધીનગર એસ.ટી.ડેપો, એન.વી.ક્યોર સોલ્યુશન કંપની અને ગેમી (ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ) ના સહયોગ મુકવામાં આવ્યું છે. આ મશીનનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત અવેરનેસ માટે છે. અત્રે ઉલ્લેખ નહી એ છે કે મોટાભાગના મુસાફરો પહેલા પ્લાસ્ટિકની બોટલને ડસ્ટબીન કે ગમે ત્યાં ફેકવામાં આવતી હતી પરંતુ બોટલ ક્રશર મશીનમાં નાખવામાં આવતી નહીં હોવાથી મશીનમાં ક્રશ થયેલી બોટલો ઓછી થતા કંપની અને ગેમી દ્વારા બોટલ નાખનાર મુસાફરોને ઇનામ આપવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
આ મશીનમાં બોટલ નાખનાર મુસાફરને કપડાની બેગ, પેડ સહિતની વસ્તુઓ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. જેને પરિણામે ડેપોમાં આવેલા મુસાફરો કે મુલાકાતિઓ દ્વારા ખાલી બોટલોને બોટલ ક્રશિંગ મશીનમાં નાખવામાં આવશે જેથી લોકોમાં જાગૃતી આવશે. જોકે બોટલ મશીનમાં નાખવામાં આવેલા મુસાફરોને પ્લાસ્ટિકથી થતા નુકસાન તેમજ પર્યાવરણ નુકસાન અંગેની જાણકારી પણ આપવામાં આવશે.
આ બોટલ મશીનમાં એકત્રિત થયેલી બોટલના પ્લાસ્ટિકમાંથી બાકડા સહિતની અનેક પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં આવશે. આ વેસ્ટ માંથી બેસ્ટ સ્વરૂપે નોટ પેડ, પ્લાસ્ટિકની બેગ સહિતની વસ્તુઓ મુસાફરોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે તેવું ડેપો મેનેજરે જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ
