ગીર સોમનાથ 30 નવેમ્બર (હિ.સ.) તાજેતરમાં વેરાવળ શહેરના પ્રભાસ પાટણની સોમનાથ કર્મચારી સોસાયટીમાં એક માદા શ્વાનના ગર્ભાશયમાં બચ્ચું ફસાઇ ગયું હતું. આ ઘટનાની જાણ પશુપ્રેમી જયદીપ જાનીને થતા તેમણે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ને જાણ કરવામાં આવી હતી.
એનિમલ એમ્બ્યુલન્સના ડો.અરજન સોલંકી અને પાયલોટ કમ ડ્રેસર લતીફ બ્લોચએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ કર્યા બાદ નોર્મલ ડીલીવરી થઈ શકે તેમ ન હતી. આથી ઓપરેશન કરવાની જરૂરિયાત જણાતા આશરે બે કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક સિઝેરિયન સર્જરી કરીને માદા શ્વાનના ગર્ભાશયમાંથી મૃત બચ્ચું સફળતાપૂર્વક બહાર કાઢી અબોલ શ્વાનને પીડામુક્ત કરી તેનો જીવ બચાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૬૨ સેવા ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઈ.જી.એચ.એસ.ના સંયુક્ત ઉપક્રમે કાર્ય કરે છે. માદાશ્વાનની તાત્કાલિક સર્જરી કરીને જીવ બચાવા બદલ જીવદયા પ્રેમીઓ ગુજરાત સરકાર અને ઈ.એમ.આર. આઈ.જી.એચ.એસ.ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
કરૂણા, વેરાવળ ટીમની આ ઉત્તમ કામગીરીને જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર મનોજ ચૌહાણ અને પ્રોગ્રામ મેનેજર ડો. મહેન્દ્રએ બિરદાવી હતી. આ રીતે એક માદા શ્વાનને ભયંકર પીડામાંથી મુક્ત કરીને કરૂણા એમ્બ્યુલન્સ ખરેખર કરૂણાનો અવતાર બની હતી.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
