



પાટણ શહેર એ જિલ્લાનું મથક હોવા ઉપરાંત વેપાર-ધંધાનું પણ મુખ્ય સેન્ટર હોવાથી આસપાસના અનેક ગામો અને નાના નગરોમાંથી લોકો વિવિધ વસ્તુઓની ખરીદી માટે આવતા હોઈ પાટણની બજારોમાં હોળી ધુળેટીના તહેવારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હોળી પર્વને લઈ ખાસ કરીને ધાણી ખજુરનું વેચાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યુ છે. બજારમાં વિવિધ પ્રકારના હાયડાના તોરણો લટકતા જોવા મળે છે. તો ધાણી, ચણા, સીંગ, ખજુરનો સ્ટોક પણ દુકાનોમાં ખડકાઈ ગયો છે. અવનવા આકાર અને વેરાયટીમાં પીચકારીઓ તેમજ રંગોના વેચાણ માટેની હાટડીઓ મંડાઈ ગઈ છે. રંગોત્સવના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
આ વખતે પીચકારીઓમાં અવનવી વેરાઈટી જોવા મળી રહી છે તો વળી હોળીના પર્વની ખાસ ઓળખ એવી ધાણીના પણ ઢગ ખડકાયા છે. પાટણ વાસીઓને હોળી નિમીતે સ્પેશ્યલ ઈમ્પોટેડ મકાઈની પોપકોન જેવી ધાણીનો સ્વાદ મળી રહે તે માટે શહેરના રેલવે સ્ટેશન પાસે ચણા સીંગની દુકાન ધરાવતા રમજુભાઈ શેખે આ વખતે અમેરીકન ઉપરાંત ખાસ આજેન્ટીનાની પ્રખ્યાત મકાઈની ધાણી બનાવી છે. જે સૌનું આકષણનું કેન્દ્ર બનેલ છે.
રમજૂભાઈ ચણાવાળાએ એક મુલાકાતમાં નવી ધાણીની વિશેષતા અંગે જણાવ્યું હતું કે, પ્રોડકટ ઓફ આજેન્ટીની ક્વોલીટી ઉચ્ચ પ્રકારની હોઈ તેમાંથી તૈયાર થતી ધાણી ખૂબ જ મોટી, દેખાવમાં સફેદ, ખાવામાં મીઠી, અને ગાંગડા કે કાંકરા વિનાની હોઈ લોકો તેની ખરીદી વધુ કરી રહ્યા છે. તો બ્રાઝીલથી આ ઈમ્પોર્ટેડ પોપકોર્ન મુંબઈ આવે છે અને મુંબઈથી આ સ્પેશીયલ ધાણી માટેની મકાઈ મંગાવી હતી.
વધુમાં તેઓએ ચાલુ વર્ષે 40 ટકા ભાવમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે માલનું ઉત્પાદન ઓછું થતા ધાણીના ભાવમાં 40% નો વધારો થયો છે. ખજૂરના ભાવમાં પણ 20 ટકાનો વધારો થયો છે. હોળી પર્વ નિમિત્તે મકાઈ-ધાણીનો વેપાર સારો થતો હોવાનું જણાવી, વેપાર-ધંધો સારો હોવાની વાત કરી હતી.
