રાજકોટ/અમદાવાદ,06 લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળવાની છે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, ગુજરાતના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ બેઠક મળશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે બહુમાળી ચોક ખાતે સૌ એકત્ર થશે અને ત્યાંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે. જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં જોડાશે.
કોર કમિટીના આઠ જેટલા સભ્યોની સવારે 11 વાગ્યે રાજકોટમાં બેઠક થશે. જેમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન સામે રાજકોટ સહિત રાજ્યભરમાં કઈ રીતે લડત ચલાવવી તે માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. બપોરે બેઠક બાદ સાંજે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો, બહેનો અને વડીલો એકત્ર થશે અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાશે.
મહારેલીમાં જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી બહેનો બસો મારફત રાજકોટ આવવા નીકળી ચૂકી છે. શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સાંજે 4 વાગ્યે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં ભાઈઓ અને બહેનો એકત્રિત થવાના છે.
