ગાંધીનગર ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન વધુમાં વધુ થાય તે માટે નવતર પહેલ શરૂ કરી છે. લોકશાહીને મજબૂત કરવાના ઉમદા અભિગમને હર્ષ સાથે જિલ્લાના વેપારીઓએ આવકાર્યો છે. નાનાથી મોટા વેપારીઓએ સામે ચાલીને મતદાન કરનાર નાગરિકોને આકર્ષક ડિસ્કાન્ટ આપવાની પહેલ કરી રાજયભરમાં અનોખું ઉદાહરણ પુરું પાડયું છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકશાહીને મજબૂત કરવાના આધાર સ્તંભ એવા મતદારોને વધુ જાગૃત કરવાની દિશામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મતદારોને મતદાન સાથે ડિસ્કાઉન્ટ આપવાના અભિગમને જિલ્લાના વેપારીઓ સમક્ષ મુકવામાં આવ્યો હતો. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વેપારીઓએ આ વાતને હર્ષ અને ગૌરવભેર સ્વીકારી હતી. તેમણે આ લોકશાહીની મજબૂત કરવા માટે તેઓ પોતાના વેપાર ધંધામાં ડિસ્કાઉન્ટ આપવાની વાતને સ્વીકારી છે.
ગાંધીનગરની સ્વાદપ્રિય જનતા માટે ખાણીપીણીનું નવું બજાર ઇન્ફોસિટી અને કુડાસણ ખાતે વિકાસ પામી રહ્યું છે. ખાણીપીણીના બજારમાં નગરજનોને અનોખો અવનવી ખાદ્યચીજનો સ્વાદ આપવા માટે ઝાલા બ્રધર્સ કાર્પોરેશન દ્વારા ગાંધીનગરના હાર્દસમા બનેલા કુડાસણ અને ઇન્ફોસીટી ખાતે ચાલતા યુનાઇટેડ ફ્રાર્મર ક્રીમરી આઇસ્ક્રીમ (યુ.એફ.સી) , મોકાકેફે, કરીઝ રેસ્ટોરન્ટ, સેલેડીફીક રેસ્ટોરેન્ટ ખાતે મતદાન કરીને વિવિધ સ્વાદમાણવા આવતાં નાગરિકોને તેમના બિલ પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવા હર્ષભેર નક્કી કર્યું છે, તેવું એમ.ડી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
આ ડિસ્કાઉન્ટ આપવા માટે રાજયના પાટનગર ઘ- 4 ગાર્ડન નજીક ગોલા સેન્ટર ચલાવતાં મહિલા વિધી જય પટેલે ગરમીમાં નગરજનોને સૌથી વધુ આકર્ષક કરતી પોતાના બરફ ગોળાના સેન્ટર પર મતદાન કરીને મિનીરલ વોટરમાં તૈયાર થયેલ અને આર્ગોનિક બરફ ગોળા ખાવા આવતા નાગરિકોને ગોળા અને ડીશ પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પહેલ કરી છે. સહકારી ક્ષેત્રે સૌથ પ્રથમ ગાંધીનગરના આંગણે કાર્યરત એવી કામધેનુ રેસ્ટારેન્ટના સંચાલક રમેશભાઇ પટેલ અને લક્ષ્મણભાઇ પટેલ દ્વારા પણ મતદાન કરનાર નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે પોતાની રેસ્ટારેન્ટમાં જમવા આવતાં નાગરિકોને બિલ પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. ગાંધીનગરમાં સ્વાદપ્રિય નગરજનોમાં ફરસાણ અને મીઠાઇ ક્ષેત્રે આકર્ષણ રૂપ બનેલ એવી રાધે સ્વીટ દ્વારા પણ મતદાન કરનારને પોતાની મીઠાઇ અને ફરસાણની રૂપિયા 100 થી વધુની ખરીદી ઉપર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની છે. તેની સાથે સાથે ગાંધીનગરની અન્ય ફરસાણ અને મીઠાઇની દુકાન પરથી મતદાન કરનાર નાગરિકોને મીઠાઇ કે ફરસાણની ખરીદી પર અલગ- અલગ ડિસ્કાઉન્ટ આપવાનું સુચારું આયોજન ગોઠવવામાં આવનાર છે, તેવું પ્રમુખ મહેશભાઇ સુખડિયાએ જણાવ્યું છે. આ તમામ વેપારીઓને મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહન પુરું પાડવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ દવેએ અભિનંદન પાઠવ્યા છે.
