
સુરત, 7 ફેબ્રુઆરી : –સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ નવી બંધાઈ રહેલી ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે શ્રમિકનું મોત નીપજ્યું હતું. જેથી પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યાં હતાં. આથી સફાળી જાગેલી પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે બંધાઈ રહેલા બાંધકામનું ડિમોલિશન કર્યું હતું.
ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકના મોતનો મામલે સફાળી જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યું હતું. શ્રમિકના મોત બાદ સફાળી જાગેલી પાલિકાની ટીમને બ્રહ્મજ્ઞાન થયું હોય તે રીતે પાલિકાએ ડિમોલિશન બતાવવા પૂરતી કામગીરી કરી હતી. શ્રમિકના મોત બાદ મોડે મોડે જાગેલી પાલિકાએ અંતે કાર્યવાહી કરી છે.ડિમોલિશનની કામગીરી બતાવી પાલિકાએ સંતોષ માન્યો હોય તેવું સામે આવ્યું છે.
ઘટનામાં ચાર શ્રમિકો ચણતર દિવાલ ઘસી પાડવાના કારણે ત્રીજા માળેથી નીચે પટકાયા હતા ચાર ઇજાગ્રસ્તો પૈકીના ચંદુ સંગાડા નામના શ્રમિકનું ઘટનામાં મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ હાલ પણ સારવાર અર્થે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યાં છે. પાલિકાના અધિકારીઓની ઘટનામાં જવાબદારી હજી સુધી નક્કી કરવામાં આવી નથી. ઉધના પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
