સુરત,02 ફેબ્રુઆરી : ભાવનગર ટીંબી ગામે માનવસેવાના સંકલ્પ સાથે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનું નિર્માણ કરનાર નિર્દોષાનંદજીનો વિશાળ અનુયાયી સેવક સમુદાય સુરતમાં વસી રહ્યો છે. ત્યારે એ સમસ્ત સેવક સમુદાયનાં સહિયારા પ્રયાસોથી સુરત નજીક તાપી નદીનાં કિનારે ખોલેશ્વરમાં આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર એવો સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમ નિર્માણ પામી રહ્યો છે. જેના પટાંગણમાં એક ગગનચુંબી ભવ્ય શ્રીઆત્મેશ્વર મહાદેવ શિવાલયનું નિર્માણકાર્ય પ્રારંભ થવા જઈ રહ્યું છે.
આ અંગે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમ-સુરતના પ્રમુખશ્રી પરસોત્તમભાઈ ગજેરા (દાસભાઈ -જામકંડોરણા)એ માહીતી આપતા કહ્યું કે પ્રથમ સોપાન રૂપે મંદિરની શિલાન્યાસ વિધિ તથા તેના 51 કુંડી મહારુદ્રયાગ, પૂજ્ય સ્વામીજીના સદશિષ્ય સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનાં સ્વહસ્તે લિખિત ઉદ્દગાર એક સંતનાં અને સદ્દવિચાર સુમન નામના બે પુસ્તકોનું વિમોચન તેમજ 11 કરોડ પંચાક્ષર મંત્ર લેખન અભિયાનની પૂર્ણાહુતિ સહીત ભવ્ય ત્રિદિવસીય ત્રિવિધ મહોત્સવ આગામી તારીખ 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન આયોજીત થવાનો છે.જેમા ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પ્રમુખ પરસોત્તમ ગજેરાએ જાહેર જનતાને હાર્દીક આમંત્રણ પાઠવ્યુ છે.
