સુરત, 29 ઓકટોબર(હિ. સ.)-સુરતના અડાજણ વિદ્યાકુંજ સ્કુલ નજીક સિદ્ધેશ્વર ફ્લેટમાં રહેતા ફર્નિચરના વેપારી મનીષ સોલંકીએ માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સમગ્ર શહેરને હચમચાવનારી આ ઘટનામાં વેપારીએ બે પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી અને તેમાં રૂપિયા લીધા પછી પાછા નહીં આપનારાઓને લીધે, આ પગલું ભરવા મજબુર થયાનો ઉલ્લેખ કરી તેમના નામ લેવાનું ટાળ્યું હતું.
જોકે, ખુબ જ ગંભીર બનાવના મૂળ સુધી પહોંચી વેપારીને આકરું પગલું ભરવા મજબુર કરનારાઓને શોધી કાઢવા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એસઆઈટીની રચના કરી છે.અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 કે.એન.ડામોરના મોનીટરીંગ હેઠળ તપાસ કરનારી એસઆઈટીની અધ્યક્ષતા ડીસીપી ઝોન 5 આર.પી.બારોટ કરશે.
ચાર સભ્યોની એસઆઈટીમાં સામેલ અને અધ્યક્ષ ડીસીપી ઝોન 5 આર.પી.બારોટ બનાવની તપાસ માટે સારા પોલીસ કર્મચારીઓની ફાળવણી કરી તપાસનું સુપરવિઝન કરશે અને માર્ગદર્શન આપશે.જયારે સભ્ય એસીપી કે ડિવિઝન બી.એમ.ચૌધરી તપાસમાં નાનામાં નાની બાબત ધ્યાન બહાર રહી ન જાય તેનું અંગત સુપરવિઝન રાખી તપાસમાં જરૂરી મદદ કરશે.અન્ય સભ્ય એસીપી ક્રાઈમ બ્રાન્ચ બી.પી.રોજીયા મહત્ત્વની ટેકનીકલ મદદ પુરી પાડશે.જયારે અડાજણ પીઆઈ આર.બી.ગોજીયા તપાસ અમલદાર તરીકે રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
