અમરેલી , 18 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લામાં આવેલો સૂરવો ડેમ હાલ વરસાદી માહોલને કારણે છલકાઈ ઉઠ્યો છે. છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસતા વરસાદે ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે વધ્યો છે. તાજા આવકને કારણે ડેમમાં નવા નીરના વધામણાં થયા છે.
સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીના મોજાં ફેલાઈ ગયા છે, કારણ કે આ ડેમમાંથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી માટે સિંચાઈ સુવિધા મળે છે. પાણી ભરાતા ખેડૂતોએ આવનારા પાક માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. ડેમની સૌંદર્યમય આસપાસ નજારો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને પ્રકૃતિના આ નજારા માણી રહ્યા છે.
વનવિભાગ અને તાલુકા તંત્ર દ્વારા ડેમ વિસ્તારમાં સુરક્ષા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડેમના ઓવરફ્લો થવાને કારણે નદીમાં વહેણ વધ્યો છે, જેના કારણે તંત્રએ ગામલોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. વરસાદી સિઝનમાં પાણી ભરાવાથી સૂરવો ડેમ ફરીથી જીવંત બન્યો છે.
આ રીતે, સૂરવો ડેમમાં નવા નીરના વધામણાંથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ વિકાસ અને પીવાના પાણીની સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થશે, સાથે જ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai
