
સુરત, 29 ડિસેમ્બર(હિ. સ.)-સ્વચ્છતાના આગ્રહી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે. ત્યારે આપણે પણ સ્વચ્છતાને સ્વભાવ બનાવીશું તો જ સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકીશું એમ સાંસદ પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું.
કલેકટર કચેરી સુરત ખાતે આવેલા સભાખંડમાં સ્વચ્છતા અભિયાન અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગેની સમીક્ષા બેઠક દરમિયાન સાંસદે જણાવ્યું હતું કે, આગામી તા. ૧૦મી, જાન્યુઆરીથી સ્વચ્છતા મહાભિયાન હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ગ્રામ પંચાયત તેમજ કસ્બાઓ તથા જાહેર રોડ રસ્તાઓની સફાઇ કરીને સ્વચ્છ કરવામાં આવશે. આ અભિયાનમાં સુરત જિલ્લાના વધુમાં વધુ લોકો સહભાગી થાય એવા પ્રયાસ કરવા માટે તેમણે તંત્રને અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત તેમણે ભારત સરકારના ટી.બી.નાબુદી અભિયાન અંગે સમીક્ષા કરતા જિલ્લામાં નોંધાયેલા ટી.બીના દર્દીઓ અંગે માહિતી મેળવી દર્દીઓને પોષણકીટ નિયમિત મળી એ માટે કોઇ પ્રકારની મદદની જરૂર જણાય તો વિના સંકોચ મદદ માંગી લેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે સિકલસેલ એનિમિયા અંગે પણ વિગતે જાણકારી મેળવી આયુષ્માન ભારત યોજનામાં સિકલસેલના દર્દીઓનો સમાવેશ કરવામાં આવતા હવે આવા દર્દીઓને પણ વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ થઇ શકશે એમ ઉમેર્યું હતું.
ઉપરાંત તેમણે આગામી તા. ૦૧થી ૧૪ જાન્યુઆરી દરમિયાન હાથ ધરવામાં આવનાર લેપ્રસી સર્ચ અભિયાન અંગે પણ વિગતે જાણકારી મેળવી આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી., સિકલસેલ અને લેપ્રસી સહિત અન્ય રોગોને ડામવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી. જિલ્લામાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વિગતે છણાવટ કરી તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને પણ બિરદાવી હતી.
જિલ્લા કલેકટર આયુષ ઓકે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ પોકેટ કે જયાં સફાઇની જરૂર છે તેવા વિસ્તાર, મોટી મોટી ગ્રામ પંચાયતો, ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા નેશનલ અને સ્ટેટ હાઇ-વે, કોમ્યનિટી એસેટ વગેરે આઇડેન્ટીફાઇ કરી આ જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવા માટે જરૂરી મેન અને મશીનરી પાવર વગેરેની સંપૂર્ણ વિગતો તા. ૦૫મી, જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા જણાવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાએ પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.સી. પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ડૉ. પિયુષભાઇ, જિલ્લા ક્ષય અધિકારી, સિવિલના આર.એમ.ઓ ડૉ. કેતન નાયક, આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર કોમલબેન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી, વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ, અન્ય અધિકારીઓ તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
