


ભાવનગર/અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવેલ તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક એક કિલોના બે અલગ-અલગ પ્યોર સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરાશે. જે અંતર્ગત દાદાને આજે શાસ્ત્રોક્ત વિધિ બાદ સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ અર્પણ કરાયો છે.
સુરતમાં બનેલો દાદાનો આંખોને આંજી દે એવો મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયો છે. આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. તો મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઈ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. તો કુલ 375 કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
