ગીર સોમનાથ, 30 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળમાં વરસાદી વાતાવરણ વચ્ચે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.મોટી શાક માર્કેટ સ્થિત જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે અને સાંજે મહાઆરતી યોજાઈ હતી. પૂ.બાપાના ચરણોમાં વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
મંદિરને રંગબેરંગી લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.બપોરે મંદિરેથી પૂ. જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ યાત્રા વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રા દરમિયાન ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. ડીજેના તાલે રઘુવંશી ભાઈ-બહેનો નાચ-ગાન કરીને ઉત્સાહભેર જોડાયા હતા. રાજમાર્ગો પર વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું.
આ શોભાયાત્રામાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મંદિર ટ્રસ્ટના ભદ્રેશભાઈ દાવડા, અશોકભાઈ ગદા, નીતુભાઈ રાડીયા, જનકભાઈ સોમૈયા, મુકેશભાઈ ચોલેરા, પાલિકા ચેરમેન અંકુર અઢીયા, સાગર પુત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ લખમભાઈ ભેસલા, પટેલ દામજીભાઈ ફોફંડી, બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ અને જિલ્લા ભાજપના ડો. સંજય પરમાર સહિતના અગ્રણીઓ અને આગેવાનો જોડાયા હતા. સર્વે જ્ઞાતિજનોએ પ્રસાદનો લાભ લીધો કમોસમી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જલારામ જયંતિ પ્રસંગે દર વર્ષે બપોરે લોહાણા મહાજન વાડીમાં અને સાંજે લોહાણા બોર્ડિંગમાં યોજાતી સમૂહ જ્ઞાતિ પ્રસાદીમાં ફેરફાર કરાયો હતો. આ વર્ષે ફક્ત સાંજની પ્રસાદી કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવી હતી, જેનો સર્વે જ્ઞાતિજનોએ લાભલીધો હતો
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
