– નાંદોદ તાલુકાના થરી ગામની દીકરીઓએ કંકુતિલક કરી આધુનિક રથનું ભવ્ય સ્વાગત કર્યુ
– પ્રત્યેક આદિવાસી બાંધવના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
રાજપીપલા/અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ હેઠળ રાજ્ય સહિત એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના પ્રત્યેક આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રારંભ કરાવ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી ફ્લેગશીપ યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડી 100 ટકા લક્ષ્યાંકને હાંસલ કરીને વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા માટે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નાંદોદ તાલુકાના થરી ગામે આગમન થતા ગામની દીકરીઓએ આધુનિક રથને ઉમંગભેર આવકાર આપીને કંકુતિલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.
થરી ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યો, આગેવાનો સહિત ગ્રામજનો પણ સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃત છે. આધુનિક રથ ગામમાં આવી પહોંચતાની સાથે ગ્રામજનોની ઉત્સાહભેર હાજરી નજરે પડી હતી. અહીં ગ્રામજનોએ આરોગ્ય, શિક્ષણ, પોષણ, ખેતી-પશુપાલન, ઇન્ફ્રાસ્ટ્રકચર, મહિલા સશ્ક્તિકરણ, ટેક્નોલોજી અને પર્યાવરણની દિશામાં કરેલા સરાહનીય કાર્યો પર બનાવેલી ફિલ્મનું પ્રસારણ નિહાળી ગુજરાતના વિકાસમાં થયેલી કાયા પલટની ગાથાના સાક્ષી બન્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી ગ્રામજનોને આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) નો લાભ, ધિરાણ-સહાય, આરોગ્ય કેમ્પ, આંગણવાડી પોષણ કેમ્પ ઊભા કરીને ગ્રામજનોને યોજનાકીય લાભ અને માહિતી આપી હતી. ઉપરાંત પેમ્પલેટ્સ, બેનર જેવી આઈઈસી પ્રવૃત્તિ દ્વારા લોકજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં કુલ આ યાત્રા 562 ગામોને આવરી લઈને નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ કરવાની સાથે નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.
થરી ગામના નાગરિકો કે જેઓ સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયા છે તેઓ ખુશી વ્યક્ત કરી પ્રતિભાવો પણ આપી રહ્યાં છે, ત્યારે આયુષ્માન કાર્ડના લાભાર્થી અનસુયાબેન તડવીએ જણાવ્યું કે, વિકસિત ભારત યાત્રા અમારા ગામમાં આવી જેનો અમને આનંદ થયો. આરોગ્ય વિભાગ તરફથી મને આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો છે. જેમાં મોટી બિમારીની હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર થાય છે. તેમાં રૂપિયા ૧૦ લાખ સુધીની સુવિધા સારવારની સહાય મળતી હોય મુશ્કેલીના સમયમાં પરિવારનું આર્થિક ભારણ ઘટશે. આ કાર્ડ મળતાં અમે નિશ્ચિંત થઈ ગયા છીએ.
ગામના જ ખેડૂત પિયુષ પટેલ જણાવે છે કે, આ યાત્રા થકી અમને વિવિધ યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. અમને કે.સી.સી. જે પશુપાલક માટે ઘાંસ-ચારાની યોજના છે, તેના અંગે સમજ આપતા અમે પણ આ યોજના અંતર્ગત બેન્ક ઓફ બરોડામાંથી લોન લીધી છે. અમને ખુબ સારો સહકાર મળ્યો છે. બેન્કમાંથી ખેતીને લગતી લોન લઈ ખેતીમાં બમણી આવક માટે પણ કાર્ય કરી રહ્યા છીએ.
અન્ય એક ખેડૂત દર્શન પટેલે જણાવ્યું કે, અમારા ગામમાં યાત્રાનું આગમન થયું છે. ખેતીમાં જે નવી નવી ટેકનોલોજી આવી છે જેની અમને સમજ આપવામાં આવી. ડ્રોન ટેકનોલોજીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે મારા ખેતરમાં જ નેનો યુરિયા ખાતરનો ડ્રોનથી છંટકાવ કરવામાં આવ્યો છે. તેનાથી અન્ય ખેડૂતો પણ ખૂબ જ પ્રભાવિત થયા છે. મને પણ સારું લાગ્યું છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ કરીને અમારા ખેતીના સમયમાં બચત થશે અને યોગ્ય વળતર પણ મળી રહેશે તેવું લાગી રહ્યું છે. આ યોજના મને ખૂબ સારી લાગી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે કાર્યક્રમ સ્થળે આરોગ્ય સહિત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં બાળકો અને મહિલાઓ-ગામલોકોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે વિવિધ યોજનાના લાભાર્થીને કાર્ડ તથા અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો માટે કેતરમાં દવા છંટકાવની યોજના અંતર્ગત આધુનિક ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી કેળના પાકમાં નેનો યુરિયાનો છંટકાવ કરી સ્થળ પર નિદર્શન સાથે ખેડૂતોને યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
