


ગાંધીનગર, 14 જાન્યુઆરી (હિ.સ.): અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાત રાજ્ય વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાન નું જન આંદોલન હાથ ધરાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રાજ્યવ્યાપી અભિયાન માં રવિવાર, ૧૪ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે સવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા.
તેમણે મંદિર પરિસર ની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ, શહેર અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, તેમજ શહેર અને જિલ્લાના સંગઠનના અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી
