પાટણ, 01 જાન્યુઆરી (હિ.સ.) : રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલી સુપ્રસિદ્ધ દાદા મહાવલી પીરની દરગાહમાં અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટના અંજામ આપી છે. તસ્કરોએ દરગાહના મુખ્ય ગેટ તેમજ અંદરના દરવાજાના તાળા તોડી પ્રવેશ કર્યો હતો. આ ચોરી 14 ડિસેમ્બર, 2025ની રાત્રે 10:30 કલાકથી 15 ડિસેમ્બર, 2025ની સવારે 6:30 કલાક દરમિયાન બની હતી. 15મી ડિસેમ્બરની સવારે નમાજ અદા કરવા ગયેલા મુજાવર જાફરશા અબ્દુલશા ફકીરને ગામના એક શ્રદ્ધાળુએ દરગાહનો મુખ્ય ગેટ ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન દરગાહની અંદર રાખવામાં આવેલી દાનપેટી તૂટેલી હાલતમાં મળી આવી હતી. ગાદીપતિ ખિદમદઅલીશા પીરસાહેબે દાનપેટીમાંથી આશરે 46 હજાર રૂપિયાની રોકડ ચોરી થયાનું જણાવ્યું હતું.
આ બનાવ અંગે શરૂઆતમાં સ્થાનિક કક્ષાએ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં 31 ડિસેમ્બર, 2025ના રોજ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બી.એન.એસ. કલમ 305(a), 331(3) અને 303(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ
