પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારમાં નિરંકુશ ઢોર ફરતા હોવાથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તાજેતરમાં એક બાળક પર ઢોરે હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક રાધનપુરની સરકારી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ બનાવને કારણે શહેરમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે રખડતા ઢોરની સમસ્યા અંગે વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને અને લોકો નિર્ભયતાથી અવરજવર કરી શકે.
હિન્દુસ્થાન સમાચાર / રાઠોડ હાર્દિક
