– રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આપણે 500 વર્ષથી રાહ જોતા હતા, તેને સંપન્ન કરવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રમોદી અને દેશના અનેક વીર સપૂતોની મહેનત અને બલિદાને કર્યું: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
– ભારતની સફળતાના યશોગાન વિશ્વના વિવિધ દેશોમાં વધ્યા છે, આ સાથેજ સમગ્ર દેશમાં લોકોનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે: અમિત શાહ
અમદાવાદ,24 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રાણીપ ખાતે નવનિર્માણ થયેલ શ્રી રામજી મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાણીપ વિસ્તારમાં નવ નિર્માણ થયેલ મંદિરમાં હું પહેલા દર્શન કરીને મારા શુભ કાર્યની શરૂઆત કરતો હતો. આજે આ મંદિરનું આટલું ભવ્ય અને સુંદર નિર્માણ થશે તેની મને કલ્પના નહોતી આ મંદિરની અદભુત રચના બદલ તમામ સભ્યો અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરું છું તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરતા જણાવ્યું હતું કે, રામમંદિરની પ્રાણ
પ્રતિષ્ઠાની આપણે 500 વર્ષથી રાહ જોતા હતા, તેને સંપન્ન કરવાનું કાર્ય વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને દેશના અનેક વીર સપૂતોની મહેનત અને બલિદાને કર્યું છે તેમ તેમણે
ઉમેર્યું હતું.
તેમણે અયોધ્યા મંદિરની શ્રી રામ લલ્લાની મૂર્તિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અયોધ્યાની
શ્રી રામ લલ્લાની મૂર્તિને જોઈને કોઈપણ નાસ્તિક વ્યક્તિના મનમાં પણ શ્રી રામ પ્રત્યે લાગણી
જાગૃત થઈ જાય એવી ભવ્ય મૂર્તિનું નિર્માણ કરાયું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારતે દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે, ભારતની સફળતાના યશોગાન વિશ્વના વિવિધ દેશોમાં વધ્યા છે, આ સાથેજ સમગ્ર દેશમાં લોકોનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે, જેના થકી ભારત વર્ષ 2047 સુધીમાં વિશ્વના પ્રથમ નંબરે હશે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સોને કી ચીડિયા જેનું નામ હતું, એવા દેશની સુંદર રચનાનો પાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં નાખ્યો છે, સાથેજ ભારતની સંસ્કૃતિને
સન્માન અપાવવાનું કાર્ય પણ કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી રાણીપનું આ ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓને આશીર્વાદ પૂરા પાડશે અને લોકોને રામમય બનાવશે, મંદિરના ભવ્ય નવનિર્માણ બદલ સૌને અભિનંદન પાઠવું છું.
હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ
