રાજકોટ,25 નવેમ્બર (હિ.સ.) રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલની અધ્યક્ષતામાં યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે, યોગ એ આપણા શરીરને જ નહીં, પણ આપણા મનની ભાવના અને આત્માને પણ પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. બહેનોનું જીવન અનેક જવાબદારીઓથી ભરેલું છે.
ઘર, પરિવાર, બાળકો, સમાજ – દરેક જગ્યાએ આપણે આપણા શ્રેષ્ઠનું અર્પણ કરીએ છીએ. યોગ એ આપણા પોતાના માટે કરવાની ક્રિયા છે. યોગ કોઈ કસરત નથી, યોગ જીવનશૈલી છે. યોગ દરેક મહિલાનું રક્ષણકવચ છે જે સ્વસ્થ શરીર, શાંત મન અને ખુશ જીવન માટે યોગને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવીએ.
ચેરમેન શીશપાલએ સહજ અને સરળ શૈલીમાં સૌને યોગ ટ્રેનર બનવા માટે પ્રેરિત કર્યા હતા, તેમજ ટ્રેનર—કોચ તરીકે યોગ બોર્ડ સાથે જોડાવાના ફાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ, નિરોગી અને સંતુલિત જીવન શૈલી પ્રાપ્ત થાય તે છે. યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં હાલ 1200 યોગ કોચ, 1,53,000 ટ્રેનર્સ અને 5000 થી વધુ નિશુલ્ક યોગ કક્ષાઓ દ્વારા યોગનો વ્યાપક પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
