વડોદરા/અમદાવાદ,11 ડિસેમ્બર (હિ.સ.) સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેનો મૂળ ઉદ્દેશ્ય રાજ્યના છેવાડાના માનવીને સરકારી યોજનાઓની જાણકારી મળવા સાથે પાત્ર ધરાવતા લાભાર્થીઓને યોજનાઓના લાભ આપવાનો છે.
વડોદરા જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનેક ગામડાઓમાં ફરી રહી છે. આ યાત્રા દરમ્યાન દરેક ગામમાં અનેક લાભાર્થીઓ પોતાને મળેલ સરકારી યોજનાઓના લાભો અંગે પ્રતિભાવો આપી રહ્યા છે.
શિનોર તાલુકાના તેરસા ગામના રહેવાસી ગાયત્રીબેન પટેલ પોતે ગર્ભવતી છે. એમણે માતૃશક્તિ યોજનાનો લાભ ગામની જ આંગણવાડી પરથી માહિતી મેળવીને જરુરી પ્રક્રીયા પૂર્ણ કરીને આજે તેઓ પોતે દર મહિને પોષણયુક્ત આહારના 4 પેકેટ મેળવી રહ્યા છે.
ગાયત્રીબેન જણાવે છે કે, દર મહિને મને મળતાં આ 4 પેકેટમાંથી હું ઘણી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવી શકું છું. હું સગર્ભા હોવાથી આ મારા સ્વાસ્થ્યની સાથોસાથ મારા શિશુને પણ અત્યારથી જ પૂરતો આહાર મળી રહે છે તે કંઈ નાની વાત નથી.
ગાયત્રીબેને સરકારનો આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, સરકારે મહિલાઓ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં માતૃશક્તિ યોજના થકી દરેક બહેનો પોતાની સાથે બાળકના સ્વાસ્થ્યની પણ કાળજી રાખી શકાય છે. આજે હું મારા સ્વાસ્થ્ય અંગે ચિંતામુક્ત છું અને મારું આવનાર બાળક પણ તંદુરસ્ત રહેશે.
સરકારે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્યની દરકાર કરતી માતૃશક્તિ યોજના અમલમાં મૂકીને ઘણી સગર્ભા બહેનોને મદદરૂપ નીવડી છે. ઘણી સગર્ભા બહેનોને પૂરતો ખોરાક ન મળતાં તેઓના અને બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોય છે. જેથી કરીને આવા સંપુર્ણ આહાર મળવાથી તેઓના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે. આમ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અનેક ગર્ભવતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
