– શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ, બાંધકામ શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં મળે છે ભોજન
ગાંધીનગર/અમદાવાદ,07 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યભરમાં વધુ 155 ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી 10 નવેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ 155 ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ કડિયાનાકા ખાતે શરૂથનારા ભોજન્કેન્દ્રની પણ મુલાકાત લેશે. નવા શરૂ થનારાં કુલ 155 ભોજન કેન્દ્રો પૈકીઅમદાવાદમાં 49 જેટલાં ભોજન કેન્દ્રોનો સમાવેશ થાય છે.શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ. પાંચમાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજનાહેઠળ અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2,જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા, રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ સાબરકાંઠામાં 4-4, પાટણ, બનાસકાંઠામાં 7-7, નવસારી, મોરબીમાં 6-6 કડીયાનાકાઓ પર ભોજન કેન્દ્રોનુંલોકાર્પણ થનાર છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50 થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ઉક્ત 17 જિલ્લામાં 155 કડિયાનાકા મારફત દરરોજ 75 હજાર કરતાં વધુ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.
રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ આર્થિક સહાય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક સહાય મળી રહે તે માટે ઈ-નિર્માણ કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જે હેઠળ હાલ 6.94 લાખ બાંધકામ શ્રમિકો નોંધાયેલા છે. જેઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ- 17 યોજનાઓ કાર્યરત છે. જે પૈકીની યોજનામાં વર્ષ 2022-23થી અત્યાર સુધીમાં બાંધકામ શ્રમિકોને સ્થળ ઉપર જ આરોગ્ય સવલત મળી રહે તે માટે ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. જેનો અત્યાર સુધીમાં 38.52 લાખ લાભાર્થીઓએ લાભ લીધો છે.
આ ઉપરાંત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ પણ કાર્યરત છે. જેમાં સંપૂર્ણ તબીબી તપાસ યોજના હેઠળ 12002 લાભાર્થીઓની તપાસ કરવામાં આવેલ છે. જેના માટે રૂ.155.28 લાખનો ખર્ચ થયેલ છે. બાંધકામ શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે કાર્યરત શિક્ષણ સહાય યોજના અંતર્ગત ૭૦,૨૦૫ લાભાર્થીઓ રૂ. 6153.46 લાખની સહાય આપવામાં આવી છે. તેમજ પ્રસૂતિ સહાય યોજના હેઠળ 933.48 લાખના ખર્ચે 5864 લાભાર્થીઓને સહાય મળી છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત રૂ.261.65 લાખની સહાય 1525 લાભાર્થીઓને આપવામાં આવી છે.
બાંધકામ શ્રમિકોના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ 136 લાભાર્થીઓને રૂ.217.60 લાખની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રમિક પરિવહન યોજના અંતર્ગત 3443 લાભાર્થીઓને રૂ.175.18 લાખની સહાય ચૂકવાઈ છે. સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલ સહાય આપવામાં આવે છે, આ યોજના હેઠળ 1253 લાભાર્થીઓને રૂ.89.20 લાખની સહાય ચૂકવાઈ છે. અકસ્માત મૃત્યુ સહાય યોજન હેઠળ 164 શ્રમિકોના વારસદારોને રૂ.492 લાખની સહાય ચૂકવાઇ છે. ગો ગ્રીન શ્રમિક યોજના હેઠળ 232 લાભાર્થીઓને રૂ.53.49 લાખની સહાય ચૂકવાઇ છે. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના હેઠળ, 1992 શ્રમિકોને 8.06 લાખના ખર્ચે વીમાકવચ પૂરું પાડવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
