અમદાબાદ, 16 ઓકટોબર(હિ. સ.). ગાંધીનગર, 16 ઓકટોબર(હિ. સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે કુલ 1646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ 2023-24ના વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે રૂ.184.09 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 2023-24ના વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 101, સામાજિક આંતર માળખાકીય સુવિધાના 78, અર્બન મોબિલિટીના 21 અને આગવી ઓળખના બે એમ 202 કામો માટે રૂપિયા 1029.55 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.
જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી 70.31 કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક – માર્ગોના 25 કામો માટે ફાળવવા અંગે કરી હતી. આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને 138 કામો માટે રૂ.348.20 કરોડની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
એટલું જ નહીં, જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોઠા- ભૂજીયા કોઠા- ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે 13 કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી.
જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્ડ કન્ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ રૂ.1.25 કરોડની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા આગવી ઓળખના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને રૂ. 14.25 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/ બિનોદ
