-વાઇબ્રન્ટ ગુજરાત– ર૦ર૪માં અતિથિ વિશેષ તરીકે પધારેલા યુકે મિનિસ્ટર ઓફ સ્ટેટ લોર્ડ તારીક અહમદને મિશન ૮૪થી વાકેફ કરી તેઓને સુરતના વિવિધ ઉદ્યોગોની મુલાકાતાર્થે લંડનના બિઝનેસમેનો સાથે પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું
-કેનેડાના હાઇ કમિશ્નર કેમરન મેકેએ કેનેડાના બિઝનેસમેનોની સુરતના ઉદ્યોગ સાહસિકો – વેપારીઓ સાથે વન ટુ વન મિટીંગ કરાવવા ચેમ્બર પ્રમુખને અનુરોધ કર્યો
સુરત, 14 જાન્યુઆરી(હિ. સ.). ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાતની મુલાકાત દરમ્યાન તા. ૧૦થી ૧ર જાન્યુઆરી ર૦ર૪ દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત– ર૦ર૪માં અતિથિ વિશેષ તરીકે પધારેલા યુકે મિનિસ્ટર ઓફ સ્ટેટ લોર્ડ તારીક અહમદ (Minister of State for the Middle East, North Africa, South Asia, Common Wealth and United Nations)ની સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબી, ગૃપ ચેરમેન મૃણાલ શુકલ, મિશન ૮૪ની કોર કમિટીના સભ્યો ચિરાગ ખિમાણી અને જિગ્નેશ સંઘાણી તથા મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ યુકે મિનિસ્ટર ઓફ સ્ટેટ લોર્ડ તારીક અહમદને મિશન ૮૪ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને તેઓને સુરત ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તથા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગોની મુલાકાતાર્થે લંડનના બિઝનેસમેનોના ડેલીગેશન સાથે પધારવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમને સહર્ષ સ્વીકાર કર્યો હતો.
ચેમ્બર પ્રમુખે અમદાવાદ સ્થિત બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનના ડેપ્યુટી હાઇ કમિશ્નર સ્ટીફન હિકલીંગ સાથે મુલાકાત કરી હતી. સ્ટીફન હિકલીંગ એ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે, આથી તેમની સાથે મિટીંગ કરી તેઓને પણ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪થી માહિતગાર કર્યા હતા અને મિશન ૮૪ની સાથે તેમના દેશના બિઝનેસમેનોને જોડવા માટે પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
ચેમ્બર પ્રમુખે કેનેડાના હાઇ કમિશ્નર કેમરન મેકે સાથે મિટીંગ કરી હતી અને તેમને પણ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪થી વાકેફ કરી તેઓને તથા કેનેડાના બિઝનેસમેનોને મિશન ૮૪ની સાથે જોડવા અનુરોધ કર્યો હતો. કેનેડાના હાઇ કમિશ્નર કેમરન મેકે તેમની સાથે કેનેડિયન બિઝનેસ ડેલીગેશનની સાથે આવેલા કેનેડાના બિઝનેસમેનોની સુરતના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સાથે વન ટુ વન મિટીંગ કરાવવા ચેમ્બર પ્રમુખને અનુરોધ કર્યો હતો. જેથી કરીને કેનેડાના બિઝનેસમેનો સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે સીધા સંપર્કમાં આવીને બિઝનેસ કરી શકે, આથી ચેમ્બર પ્રમુખે તેમને કેનેડિયન બિઝનેસ ડેલીગેશનની સાથે સુરત પધારવા આમંત્રણ આપ્યું હતું, જેનો તેમને સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત કેનેડાના હાઇ કમિશ્નરે ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વ હેઠળ સુરતના બિઝનેસ ડેલીગેશનને કેનેડા આવવા આમંત્રણ આપ્યું હતું. તદુપરાંત ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બરના ડાયરેકટર (ટ્રેડ રિલેશન એન્ડ કોમ્યુનિકેશન) શિવાની યાદવ અને પૃથ્વી પટેલ (મેનેજર ઓપરેશન્સ, ગુજરાત રિજીયોનલ કાઉન્સીલ)ની સાથે મુલાકાત કરી હતી.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મોરેશિયસ હાઇ કમિશનના હાઇ કમિશ્નર હાયમન્ડોયલ દિલુમ, રિપબ્લીક ઓફ રવાન્ડા હાઇ કમિશનના હાઇ કમિશ્નર મુકાન્ગીરા જેકલીન, યુ.એ.ઇ.ના રાસ અલ ખાઇમાહના ઇન્ટરનેશનલ રિલેશન્સના ડાયરેકટર ટોક્ષોમિન ગોઇટીયા તથા આફ્રિકાના વિવિધ દેશો જેવા કે એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ ગુનિયાના ચાર્જ ડી’અફેર્સ ડો. અમિનાતા થિયામ, બુરકીના ફાસોના એમ્બેસેડર ડો. ડિઝાયર બોનીફેસ સોમ અને તાન્ઝાનિયાના એમ્બેસેડર અની સા કફુકી બેગા સાથે મિટીંગ કરી તેઓને સુરતના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સાથે વન ટુ વન મિટીંગ કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું.
ચેમ્બર પ્રમુખે ઉપરોકત જુદા–જુદા દેશોના એમ્બેસેડરો, હાઇ કમિશ્નરો અને ઓફિશિયલ્સ સમક્ષ મિશન ૮૪ની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મિશન ૮૪ અંતર્ગત ઇન્ટરનેશનલ ઓનલાઇન પોર્ટલ પર ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોના ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. એવી રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ પોર્ટલ પર લાવવા માટે પ્રયાસના ભાગ રૂપે મિટીંગો થઇ રહી છે. તદુપરાંત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો કરાઇ રહી છે. જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશોના કોન્સુલ જનરલો સાથે થઇ રહેલી મિટીંગોથી પણ ચેમ્બર પ્રમુખે તેઓને વાકેફ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ બિનોદ
