


ભુજ/અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) આ શબ્દ છે મુંદ્રા પાસે આવેલા મંગરા ગામની સાવ ખાખરા જેવી ધરતીને લીલી નાઘેર જેવી બનાવનારા જ્યોતિ ટાંક ના. એક સંસ્થા તરફથી અમે તેમના પર ડૉક્યૂમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છીએ. જ્યોતિબેનની એનર્જી જોઈને ભલભલા ડધાઈ જાય. ટ્રેક્ટર ચલાવવું, જીવામૃત બનાવવું, પાણી વાળવા જવું, સવારે વહેલાં ઊઠીને પોતાની વાડીના તમામ કામ મજૂરોની સાથેને સાથે આટોપવા…
જ્યોતિબેન ખેતી સાથે માર્કેટિંગની પણ સારી એવી સૂઝ ધરાવે છે. સાથે નવું નવું શીખવા માટે તેઓ નિયમિત રીતે ઇનોવેટિવ ખેડૂતો અને સંસ્થાઓને પણ મળે છે.પતિની કેન્સરની બીમારીના ચાર વર્ષના સંઘર્ષમય દિવસોનું સ્મરણ તેમને ક્ષણીક ઢીલા પાડી દે પણ છતાં તેમના સ્વરોમાં ક્યાંય કોઈ નબળી વાત નહીં, કોઈ ઢીલાશ નહીં.તેમની વાડીમાં 15 જેટલાં શાકભાજીની તેઓ ખેતી કરે છે. શાકભાજીમાં તેઓ કૃત્રિમ ખાતર કે દવાનો ઉપયોગ નથી કરતાં. ખેતીમાં તેમનો અનુભવ પણ અદ્દભૂત છે. તેમને જોઈને તેમની આસપાસના વિસ્તારોમાં પણ અનેક મહિલાઓ હવે આગળ આવી છે. વાતો કરતાં હોય ત્યારે જાણે ખેતીનો એન્સાઈક્લોપીડિયા.
પોતાની ધરતીમાં અળસીયાનું ખાતર, જીવામૃત સિંચી સિંચીને આખી વાડીને કૂણી માખણ જેવી બનાવી દીધી છે. માથું વાવો માથું ઊગે એવી. આખો દિવસ વાડીમાં જ ગાળવાનો….શહેરની વાત આવે તો હસતાં હસતાં કહી દે…અમને શહેરમાં ના ફાવે…શહેરનો વિચાર જ અમને ના ગમે…અમને તો અમારી વાડીમાં જ ગમે…
એક માળના કે બે માળના માંડવા બનાવીને કાકડી, કારેલા, પરવળ, દૂધી તો વાવે જ છે પણ વચ્ચે પડેલી જગ્યામાં પણ મરચા, ભીંડા, કમલમ (ડ્રેગન ફ્રૂટ) વાવીને બારેય માસ જમીનમાંથી પાક મેળવે છે. તેમના શાકભાજી કુદરતી રીતે ઊગતા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં પણ ઊંચા ભાવે વેચાય છે.
દીકરો પુનામાં ઊચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. પોતાના પતિ પાસેથી ખેતી શીખીને આજે તેમની ગેરહાજરીમાં પણ આ મહિલાએ અડાબીડ જીંદગીના અચાનક પડેલા ગાલ પરના લાફા સામે સણસણતો જવાબ આપ્યો છે અને એ જવાબ છે…મહેનત… મહેનત…મહેનત… કાયમની જેમ Parth Chauhan અને ટીમ સાથે પ્રેરણાસભર કામનો સંતોષ મેળવ્યો. ઊર્જાવાન વ્યક્તિઓને મળવાથી આપણે પણ સ્વયં ઊર્જા અનુભવીએ છીએ.
વાહ જ્યોતિબેન…મહિલાના આવા ગરવા સ્વરુપને પ્રણામ…
હિન્દુસ્થાન સમાચાર/
