

ગાંધીનગર/સુરત, 28 ડિસેમ્બર (હિ.સ.): નવી શિક્ષણ નીતિ- ૨૦૨૦ અંતર્ગત વિશ્વવિદ્યાલયોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં પણ વિદ્યાર્થીઓને માતૃભાષા/ પ્રાદેશિક ભાષાનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં વિવિધ ખાનગી યુનિવર્સિટીઓ પણ પોતાના વિદ્યાર્થીઓને માતૃભાષા/ પ્રાદેશિક ભાષાનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સક્રિય બની રહી છે.
આ અનુસંધાને કોસંબા-સુરત ખાતે આવેલી પી.પી.સવાણી યુનિવર્સિટીએ પોતાને ત્યાં ફાર્મસી, નર્સિંગ, લૉ વગેરે વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરી રહેલા બિન-ગુજરાતી વિદ્યાર્થીઓ (વિદેશી અને ભારતના અન્ય પ્રાંતોના વિદ્યાર્થીઓ) માટે માતૃભાષા/ પ્રાદેશિક ભાષા ગુજરાતીનો અભ્યાસક્રમ દાખલ કરવાની પહેલ કરી છે. ”માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” આવા બિનગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાના માધ્યમથી ગુજરાતી ભાષા શીખવવા માટે અભ્યાસક્રમ રચના અને શિક્ષણકાર્ય બંનેમાં પી.પી.સવાણી યુનિવર્સિટીને મદદરૂપ થશે. આ સમજૂતી કરારથી પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા ત્રણસો જેટલા બિન-ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવાનો લાભ પ્રાપ્ત થશે.
આ સમજૂતી-કરાર પર સહી કરવા માટે ન્યાસના ત્રણ ન્યાસીઓ – ૧. હર્ષદભાઈ શાહ, ૨. ડૉ. દીપકભાઈ પંડ્યા, ૩. ડૉ. પ્રવીણ વાટલિયા અને યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડૉ. પરાગ સાંઘાણી તથા ત્યાંના કુલસચિવ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યનો વિસ્તાર અન્ય વિશ્વવિદ્યાલયોમાં પણ થાય એ માટે ન્યાસ કાર્યરત છે.
હિન્દુસ્થાન સમાચાર/અભિષેક બારડ
